હિઝાબ પહેરવો કે ન પહેરવો તે છોકરીઓ ઉપર છોડી દેવું જોઈએ : શેહલા રાશીદ
- એક સમયે મોદીનાં ટીકાકાર હવે પ્રશંસક બન્યાં છે
- 12માં ધોરણ સુધી હું હીઝાબ પહેરતી હતી પરંતુ વધુ વાંચતાં મેં હીઝાબ છોડી દીધો : મોદીનાં નેતૃત્વમાં કાશ્મીરે ઘણી પ્રગતિ કરી છે
નવીદિલ્હી : એક સમયે ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદીનાં ઉગ્ર ટીકાકાર રહેલાં જેએનયુનાં પૂર્વ છાત્રા શેહલા રાશીદ ફરી એક વખત હિઝાબ પહેરવો કે ન પહેરવો તે વિષે કરેલાં નિવેદનથી વિવાદમાં આવી ગયાં છે. તેઓને પૂછવામાં આવ્યું કે, છોકરીઓએ હીઝાબ પહેરવો જોઈએ કે નહીં ? ત્યારે તેઓએ કહ્યું કે મારૃં માનવું છે કે તેનો નિર્ણય છોકરીઓ ઉપર જ છોડી દેવો જોઈએ. તેઓએ વધુમાં તેમ પણ કહ્યું કે હીઝાબ છોકરીઓ ઉપર જબરજસ્તીથી લાદવામાં આવે છે. વાસ્તવમાં તે અંગે તેઓ સ્વતંત્ર જ હોવી જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેઓએ મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓનાં નેતૃત્વમાં કાશ્મીર સતત પ્રગતિ કરી રહ્યું છે. તેઓએ હીઝાબ પહેરવા વિષે તો પોતાનું સ્પષ્ટ મંતવ્ય દર્શાવતાં ફરી એકવાર કહી દીધું કે હિઝાબ પહેરવો કે ન પહેરવો તેનો નિર્ણય છોકરીઓ અને મહિલાઓ ઉપર જ છોડી દેવો જોઈએ.
પોતાની વાત કરતાં તેઓએ કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે હીઝાબ પહેરતી હતી. ૧૨માં ધોરણ સુધી ઈસ્લામી સાહિત્ય જ વાંચતી હતી. તેથી પ્રભાવિત થઈને મેં હીઝાબ પહેરવો શરૂ કર્યો હતો. પરંતુ પછી વધુ વાંચતાં મેં હિઝાબ પહેરવો છોડી દીધો. હવે હું માનું છું કે તે પહેરવો કે ન પહેરવો તે છોકરીઓ અને મહિલાઓ ઉપર છોડી દેવું જોઈએ. તેઓ સ્વયં સ્વતંત્ર છે.
ઉલ્લેખનીય છે કે, જેએનયુમાં કનૈય્યાહ કુમાર સાથે પ્રદર્શનમાં જોડાયા પછી શેહલા રાશીદ ચર્ચામાં આવી ગયાં હતાં. ત્યારે તેઓ મોદી સરકાર ઉપર સતત ટીકાઓ કરતાં હતાં હવે અનેક સ્થળોએ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે. તેઓ કહે છે કે મોદી એક નિ:સ્વાર્થ વ્યક્તિ છે. જે હંમેશાં ભારતમાં પરિવર્તન લાવવાની વાત કરે છે. તે માટે મહત્ત્વના નિર્ણયો લે છે. વડાપ્રધાનનાં નેતૃત્વમાં કાશ્મીરમાં ઘણાં પરિવર્તનો થયાં છે. કાશ્મીર અત્યારે પ્રગતિના પંથે છે.