અહીંથી અયોધ્યા માટે શરૂ થશે ફ્રી ટ્રેન, 20 હજાર શ્રદ્ધાળુ મફતમાં કરી શકશે મુસાફરી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
અહીંથી અયોધ્યા માટે શરૂ થશે ફ્રી ટ્રેન, 20 હજાર શ્રદ્ધાળુ મફતમાં કરી શકશે મુસાફરી 1 - image


Image Source: Twitter

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલુ છે અને મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠામાં હવે માત્ર 10 જ દિવસ બાકી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેમાં દેશભરના સાધુ, સંત અને વિદ્વાન મહાપુરુષ સામેલ થશે. જેને લઈને સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છે. અયોધ્યાના દરેક ખૂણાને સજાવવામાં આવી રહ્યા છે અને યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે. અયોધ્યાને સાંસ્કૃતિક મૂલ્યોથી પણ જોડવામાં આવી રહી છે. આ દરમિયાન હવે ટૂંક સમયમાં જ છત્તીસગઢથી અયોધ્યા માટે ફ્રી વાર્ષિક ટ્રેન ચાલશે જેમાં તે શ્રદ્ધાળુ મુસાફરી કરી શકશે જે ભગવાન શ્રીરામના દર્શન માટે અયોધ્યા જવા ઈચ્છે છે. આ ટ્રેનમાં દર વર્ષે લોકોને ફ્રી માં તીર્થયાત્રા કરાવવામાં આવશે.

દર વર્ષે 20 હજાર લોકો ફ્રી માં કરશે અયોધ્યા યાત્રા

દર વર્ષે છત્તીસગઢના 20 હજાર શ્રદ્ધાળુ ફ્રી માં અયોધ્યા સુધીની યાત્રા કરશે અને શ્રીરામ મંદિરના દર્શન કરી શકશે. આ ટ્રેન ફ્રી માં દર વર્ષે 20 હજાર લોકોને તીર્થયાત્રા માટે અયોધ્યા લઈ જશે. આ યોજનામાં તે જ શ્રદ્ધાળુ ફ્રી માં અયોધ્યા તીર્થયાત્રા માટે જઈ શકશે જે શારીરિક રીતે ફિટ છે. 18થી 75 વર્ષની ઉંમર ધરાવતા એવા શ્રદ્ધાળુ જેમને કોઈ બીમારી નથી અને જે સ્વસ્થ છે. તેઓ આ તીર્થયાત્રામાં યાત્રાના પાત્ર હશે. આ તીર્થયાત્રા યોજનાના પ્રથમ તબક્કામાં 55 વર્ષથી વધુની ઉંમર ધરાવતા શ્રદ્ધાળુઓની પસંદગી કરવામાં આવશે.

આ નિર્ણય છત્તીસગઢની ભાજપ સરકારે લીધો છે. આ વાર્ષિક ફ્રી ટ્રેનને મંજૂરી પણ આપી દેવાઈ છે. આ નિર્ણય મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો છે. તીર્થયાત્રીઓની પસંદગી માટે દરેક જિલ્લામાં કલેક્ટર હેઠળ એક સમિતિની રચના કરવામાં આવશે. આ યોજનાને લાગુ કરવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC) ની સાથે એક કરાર સાઈન કરવામાં આવશે. આ ટ્રેનમાં શ્રદ્ધાળુ રાયપુર, દુર્ગ, રાયગઢ અને અંબિકાપુર સ્ટેશનોથી વિશેષ ટ્રેનમાં સવાર થઈ શકે છે. આ ટ્રેન 900 કિલોમીટરની સફર કરશે. આ યોજનામાં છત્તીસગઢના શ્રદ્ધાળુ કાશી વિશ્વનાથ મંદિરના પણ દર્શન કરશે. તીર્થયાત્રા દરમિયાન શ્રદ્ધાળુ વારાણસીમાં રાત્રિ વિશ્રામ કરશે જ્યાં તેમને કાશી વિશ્વનાથ મંદિર લઈ જવામાં આવશે અને તેઓ ગંગા આરતી પણ જોશે. 


Google NewsGoogle News