ભડકે બળતા મણિપુરમાં હિંસાનો દાવાનળ ફાટયો

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ભડકે બળતા મણિપુરમાં હિંસાનો દાવાનળ ફાટયો 1 - image


- સંઘ પ્રમુખ મોહન ભાગવતની મણિપુર અસલામત હોવાની વાત તદ્ન સાચી સાબિત થઈ : હુમલામાં પાંચના મોત

- મણિપુરમાં પહેલી વખત રોકેટ ડ્રોનથી હુમલા થયા, સુરક્ષાદળોએ ચુરાચાંદપુરમાં ઉગ્રવાદીઓના ત્રણ બંકર ઉડાવ્યા

- સ્થિતિ તંગ બનતા રાજ્યમાં સ્કૂલ-કોલેજો બંધ રખાયા, સુરક્ષાદળોએ એન્ટી ડ્રોન સિસ્ટમ ગોઠવી

ઈમ્ફાલ : મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી સતત હિંસા ચાલી રહી છે. પૂર્વોત્તરના આ રાજ્યમાં કેટલાક મહિના સુધી એકંદરે શાંતિ રહ્યા પછી એક સપ્તાહથી નવેસરથી હિંસાનો દૌર શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રોન અને લાંબા અંતરના રોકેટથી હુમલા થતા હતા. પરંતુ સ્થિતિ કાબુ બહાર જતાં આ ઘટનાઓ હવે સામે આવવા લાગી છે. એક સપ્તાહથી ચાલતી હિંસામાં જિરિબામ જિલ્લામાં નવેસરથી હિંસામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ઈમ્ફાલથી દૂર અંતરિયાળ વિસ્તારમાં કુકી ઉગ્રવાદીઓએ ઘરમાં સૂઈ રહેલા એક વ્યક્તિની હત્યા કર્યા બાદ કુકી અને મૈતેઈ જૂથના લોકો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ કુકી ઉગ્રવાદીઓ સહિત ચારનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ સુરક્ષાદળોએ વિશેષ અભિયાન હેઠળ ચુરાચાંદપુર જિલ્લામાં ઉગ્રવાદીઓના ત્રણ બંકરનો સફાયો કરી દીધો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગઈકાલે જ કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે તેમણે મણિપુર પર ધ્યાન આપવું જોઈએ. પૂર્વોત્તરનું આ રાજ્ય છેલ્લા ૧૭ મહિનાથી હિંસાનો સામનો કરી રહ્યું છે. મણિપુર હજુ પણ અસલામત છે. મોહન ભાગવતે આ દાવા કર્યાના બીજા જ દિવસે મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી ઉઠી છે.

મણિપુરના જિરિબામ જિલ્લામાં ત્રણ કુકી ઉગ્રવાદીઓ સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટના પછી મુખ્યમંત્રી એન. બિરેન સિંહે તાત્કાલિક શાસક પક્ષના ધારાસભ્યો સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને રાજભવન પહોંચીને રાજ્યપાલ એલ. આચાર્યને પ્રવર્તમાન સ્થિતિની માહિતી આપી હતી. મણિપુરમાં હિંસાની તાજી ઘટના દક્ષિણ અસમ નજીક જિરિબામ જિલ્લાના સેરો, મોલજોલ, રશીદપુર અને નુંગચપ્પી ગામોથી શરૂ થઈ છે. શનિવારે સવારે થોડા-થોડા સમયે ગોળીબાર થતો હતો, જેના કારણે વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. 

મણિપુરના જિરિબામ જિલ્લામાં ભડકેલી હિંસા રોકવા માટે અસમ રાઈફલ્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ અને મણિપુર પોલીસના કમાન્ડોની ટીમ તૈનાત કરાઈ છે. મણિપુરમાં ફરી શરૂ થયેલી હિંસા વચ્ચે રાજ્ય સરકારે બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તણાવપૂર્ણ સ્થિતિને જોતા સુરક્ષાદળોને હાઈ-એલર્ટ પર રહેવા અને ઉગ્રવાદ વિરોધી અભિયાનો ઝડપી બનાવવા આદેશ આપ્યો છે.

મણિપુુરમાં નવેસરથી શરૂ થયેલી હિંસામાં વધુ આઘાતજનક બાબત એ છે કે વિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગ શહેરમાં ઉગ્રવાદીઓએ બે રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો, જેમાં પૂર્વ મુખ્યમંત્રી મૈરેમ્બમ કોઈરેંગ સિંહના ઘરે રોકેટથી હુમલો કરાતા ૭૮ વર્ષનાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને પાંચ અન્ય લોકોને ઈજા પહોંચી હતી. હુમલા સમયે મૈરેમ્બમ કોઈરેંગ અને તેમનો પરિવાર ઘરમાં નહોતા. 

મણિપુરના આઈજીપી કબીબ કે અને કે. જયંતે ડ્રોન હુમલા અને લાંબા અંતરના રોકેટ બોમ્બથી હુમલાની પુષ્ટી કરતા કહ્યું કે શુક્રવારે થયેલા હુમલામાં રોકેટોનો ઉપયોગ પહેલી જાણિતી ઘટના છે. આ હુમલાઓના જવાબમાં સુરક્ષા દળોએ પર્વતીય વિસ્તારોમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તેમણે ચુરાચાંદપુરમાં ઉગ્રવાદીઓના ત્રણ બંકરોનો નાશ કર્યો હતો. વિષ્ણુપુર જિલ્લામાં પોલીસની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં શકમંદ કુકી ઉગ્રવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ આ હુમલો નિષ્ફળ કર્યો હતો.

આ પહેલાં સપ્તાહની શરૂઆતમાં ઈમ્ફાલની પશ્ચિમમાં બે સ્થળો પર ડ્રોનથી હુમલો કરતાં લોકોના ઘરો પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. રાજ્યમાં ગયા વર્ષે મે મહિનામાં શરૂ થયેલી જાતીય હિંસા ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૬૦,૦૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે.

દરમિયાન મણિપુરમાં પહેલી વખત ડ્રોન અને રોકેટ હુમલા થતાં કેન્દ્ર સરકારે એન્ટી ડ્રોન મીડિયમ મશીનગનના ઉપયોગની મંજૂરી આપી છે. આ નિર્ણય ૧થી ૩ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં બે ડ્રોન હુમલા પછી લેવાયો હતો. સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કે કુકી ઉગ્રવાદીઓને ડ્રોન વોરફેર માટે મ્યાંમારથી ટેકનિકલ સપોર્ટ અને ટ્રેઈનિંગ મળી રહી છે અથવા તેઓ સીધી રીતે તેમાં સામેલ છે. રાજ્ય સરકારે આ ડ્રોન હુમલાની તપાસ કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની રચના કરી છે.

ડ્રગ્સ ઈકોનોમીનું મૂલ્ય રૂ. 60,000 કરોડ

મણિપુર હિંસાની 'ડ્રગ ઈકોનોમી', 'ખ્રિસ્તી વર્લ્ડ' સાથે સંડોવણીનો દાવો

પૂર્વોત્તરના સરહદીય રાજ્ય મણિપુરમાં ૧૭ મહિનાથી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે ત્યારે હકીકતમાં આ હિંસા વંશીય નહીં પરંતુ 'ડ્રગ્સ ઈકોનોમી' અને ખ્રિસ્તીઓના પ્રસાર સાથે સંકળાયેલ હોવાનો ગુપ્તચર તંત્રનો દાવો છે. સૂત્રો મુજબ રાજ્યનું બજેટ રૂ. ૩૫,૦૦૦ કરોડનું છે જ્યારે તેને સમાંતર ચાલતી ડ્રગ્સ ઈકોનોમીનું મૂલ્ય રૂ. ૬૦,૦૦૦ કરોડનું છે. 

મણિપુરમાં કેટલાક મહિના શાંતિ જળવાઈ રહ્યા પછી આ સપ્તાહની શરૂઆતથી નવેસરથી હિંસા શરૂ થઈ છે. ત્યારે ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે થઈ રહેલી હિંસામાં હકીકતમાં ડ્રગ્સ ઈકોનોમી અને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મનો પ્રસાર મોટાં પરિબળ છે. લાઓસ, મ્યાંમાર અને થાઈલેન્ડને સંડોવતો ડ્રગ્સનો ગોલ્ડન ટ્રાયંગલ્સ મણિપુર સુધી લંબાયેલો છે. ડ્રગ્સના આ વેપારને ખ્રિસ્તી મિશનરીઓનો સાથ મળતાં પરિસ્થિતિ વધુ વણસી છે. 

ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે, મ્યાંમારનું ડ્રગ કાર્ટેલ મણિપુર સુધી લંબાયું છે અને મ્યાંમારના પર્વતીય અને જંગલ વિસ્તારોમાં અફિણની મોટાપાયે ખેતી થાય છે. ચીની ઉદ્યોગપતિ મણિપુરમાં સ્થાનિક લોકોને જંગી નાણાં આપી ડ્રગ્સના ઉત્પાદન અને હેરાફેરી માટે મ્યાંમાર અને મણિપુરને સેફ હેવન બનાવી રહ્યા છે. આ વિસ્તારમાંથી સમગ્ર ભારતમાં મોટાપાયે ડ્રગ્સ મોકલવામાં આવે છે. વધુમાં ગોલ્ડન ટ્રાયન્ગલ વિસ્તારમાં જંગી પ્રમાણમાં ઉત્પાદિત મેથામ્ફેટામાઈન, કેટામાઈન અને અન્ય સિન્થેટિક ડ્રગ્સની વૈશ્વિક સ્તરે દાણચોરી કરવામાં આવે છે.


Google NewsGoogle News