વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનના બીજા માળે રેકોર્ડરૂમમાં આગ
વડોદરા, તા. 22 જુલાઈ 2022 શુક્રવાર
વડોદરાના પોલીસ સ્ટેશનમાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે પોલીસ સ્ટેશનની બહાર મૂકવામાં આવતા ગુનાના કામના વાહનોમાં આગ લાગવાના વારંવાર બનતા હોય છે. આજે બાપોદ પોલીસ સ્ટેશનમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો.
આજવા વાઘોડિયા રીંગરોડ પર આવેલા થોડા સમય પહેલા જ બનેલા બાપોદ પોલીસ સ્ટેશન ના નવા બિલ્ડિંગમાં આગ લાગવામાં બનાવને કારણે આશ્ચર્ય સર્જાય છે.
આજે બપોરે 12 વાગ્યાના અરસામાં બાપોદ પોલીસ સ્ટેશનના ઉપરના માળે ટેરેસ તરફ જતા માર્ગે બનાવેલા રેકોર્ડરૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ જે રીતે આગ લાગી તેમજ ધડાકા થતા હતા તે જોતા સોલાર પેનલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે.
આગ લાગવાને કારણે રેકોર્ડ રૂમ ના વર્ષ 2015 થી રાખવામાં આવેલા મહત્વના દસ્તાવેજો અને ફાઈલો લપેટમાં આવ્યા હતા. પાણીગેટ ફાયર બ્રિગેડ ના બે ફાયર એન્જિન સાથે બે ટીમ આવી હતી અને એક કલાકની જેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસરે કહ્યું હતું કે, આગ કાબુમાં લેવા પાણીની સાથે ફોમ નો પણ મારો ચલાવવામાં આવ્યો હતો. આગ તેમજ પાણીને કારણે રેકોર્ડને ખાસું એવું નુકસાન થયું છે. જ્યારે બાપોદના પીઆઇ એ કહ્યું હતું કે, તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ કરી દેવામાં આવ્યો હોવાથી કોઈ રેકોર્ડ ગુમ થયો નથી તેમજ તેને કારણે કોઈ નુકસાન થયું નથી.