ભેજાબાજોનું કારસ્તાન, SBIની નકલી બેન્ક શરૂ કરી અનેકના ખાતા ખોલી લાખોની છેતરપિંડી
- છત્તીસગઢમાં ભેજાબાજોનું કારસ્તાન
- કર્મચારીઓને પણ બેંકમાં કાયમી નોકરી મળી છે કહીને ખોટી ટ્રેનિંગ આપી અને રૂપિયા 2 થી 6 લાખ પડાવ્યા
- અસલ બેંક જેવું જ ફર્નિચર, કેશ કાઉન્ટર અને પેપર વર્ક તૈયાર કર્યું હતું: કિયોસ્કની અરજીથી ભાંડાફોડ થયો
SBI Fake Bank News | છત્તીસગઢમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નકલી બ્રાંચ ખોલીને અનેક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. એસબીઆઈ જેવું જ નવું ફર્નિચર, કેશ કાઉન્ટર અને તેના જેવા જ પેપરવર્ક સાથે ગામડાના લોકોને બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ નકલી બેંકના કર્મચારીઓને પણ છેતરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમને અસલી એસબીઆઈમાં કાયમી નોકરી મળી છે. આ મામલામાં પોલીસે છ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે.
છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોર ગામમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નવી બ્રાંચ ખોલવામાં આવી હતી. નવી બ્રાંચની કામગીરી નજીકના વિસ્તાર ડાબરાના એસબીઆઈ બેંક મેનેજરને શંકાસ્પદ લાગી હતી. તેમણે ૨૭ સપ્ટેમ્બરના રોજ એસબીઆઈના અધિકારીઓ અને પોલીસ સાથે બ્રાંચમાં રેડ પાડતા નકલી બ્રાંચનો પર્દાફાશ થયો હતો.આ કૌભાંડમાં સામેલ ત્રણ આરોપીઓને ઓળખ રેખા સાહુ, મંદિર દાસ અને પંકજ તરીકે કરવામાં આવી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય સુત્રધારે માત્ર નકલી દસ્તાવેજો અને નકલી ટાઈટલ જ નહીં પરંતુ, બેંકના તમામ કર્મચારીઓને બેંકમાં કાયમી નોકરી લાગી છે કહીને ટ્રેનિંગ આપી હતી. તેમની પાસેથી પણ નોકરીના બદલામાં ફી તરીકે રૂપિયા ૨-૬ લાખ પડાવવામાં આવ્યા હતા. એક કર્મચારીએ જણાવ્યું કે, તેની પાસે રૂ. ૫ લાખની માંગ કરવામાં આવી હતી. છેવટે તેણે રૂ. ૨.૫ લાખ આપીને નોકરી સ્વીકારી હતી.
ગામના એક વ્યક્તિએ એસબીઆઈ કિઓસ્ક માટે અરજીકરતા એસબીઆઈના અધિકારીઓ સાવચેત થયા હતા. મેનેજરો નવી બ્રાંચનો કોઈ કોડ કે અન્ય માહિતી ન શોધી શકતા પોલીસને જાણ કરવામાં આવી હતી. કૌભાંડનો ઉદ્દેશ કોરબા, બાલોદ, કબીરધામ અને શક્તિ સહિતના જિલ્લાઓના બેરોજગાર વ્યક્તિઓને ટારગેટ કરવાનો હતો.