Get The App

ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી 1 - image


- વિશ્વમાં લશ્કરી અને આર્થિક તણાવો સતત વધતા જાય છે : અમેરિકાની ચૂંટણી અંગે કહ્યું આપણે વિદેશની આંતરિક બાબતમાં પડતા નથી

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી વૈશ્વિક પરિસ્થિતિ અંગે અતિ ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે, અને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો તેમજ ઋતુ પરિવર્તનો વિશ્વ સાથે ધૂંધૂળું ચિત્ર રજૂ કરે છે. તેમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલી લશ્કરી તંગદિલી યુક્રેન-રશિયા યુદ્ધ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઉભી થયેલી પરિસ્થિતિ ઘણી જ ચિંતા ઉપજાવે છે. આ પરિસ્થિતિમાં અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ સંબંધો બાંધવા અનિવાર્ય છે.

આ સાથે જયશંકરે કહ્યું દુનિયા આખી નવેમ્બરની અમેરિકી પ્રમુખની ચૂંટણી ઉપર નજર રાખી રહી છે. ઘણા માને છે કે ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ પદે આવશે.

અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપતાં જયશંકરે કહ્યું : 'હું એક આશાવાદી વ્યક્તિ છું. પ્રશ્નોનો ઉકેલ શોધવામાં વ્યસ્ત રહું છું. ઉકેલમાંથી પ્રશ્નો શોધવામાં નહી પરંતુ આગામી પાંચ વર્ષ માટે ઘણી ઘેરી આગાહી કરવી પડે તેમ છે. તમો મધ્ય પૂર્વમાં યુક્રેનમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં ઊભી થઈ રહેલી પરિસ્થિતિ જોઈ શકો છો. કોવિદની અસર પણ હજી તદ્દન દૂર નથી થઈ, તેમાંથી બહાર આવેલા તેને સહજ રીતે લે છે, પરંતુ હજી ઘણા તેમાંથી બહાર આવ્યા નથી.

અમેરિકાની ચૂંટણી અંગે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું : 'આપણે અન્ય દેશની આંતરિક બાબતમાં પડતા નથી. જે કાંઈ આવશે તેની સાથે કામ કરીશું.''

મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં વ્યાપેલી તંગદિલી વિષે તેઓએ કહ્યું : અમેરિકા અને તેના યુરોપીય સાથીઓ ઇરાનને ધૈર્ય રાખવાનું કહે છે. કારણ કે તેમાંથી વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાની પૂરી સંભાવના છે. આ વિધાનો તેઓે ગાઝામાં થઇ રહેલાં ઇઝરાયલનાં આક્રમણ તેમજ હમાસના રાજકીય નેતા તથા હીઝબુલ્લાહના કમાન્ડરની કરાયેલી હત્યા સંદર્ભે કર્યા હતાં.

આ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે તો પહેલેથી જ કહેતું આવ્યું છે કે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ મંત્રણા અને રાજદ્વારી ગતિવિધિથી જ લાવવો જોઇએ.

તેઓએ રશિયા-યુક્રેન-યુદ્ધ અંગે ચેતવણી આપતાં કહ્યું હતું કે તેથી આર્થિક પડકારો વિશ્વભરમાં ઉભા થઇ શકે તેમ છે. તેથી ઇંધણના તેમજ રાસાયણિક ખાતરોના ભાવ તો ગત વર્ષથી જ વધવા લાગ્યા છે. તમો લગભગ દરેક દેશને (આર્થિક) સંઘર્ષ કરતા જોઈ શકો છો. વ્યાપાર મુશ્કેલ બની રહ્યો છે. વિદેશ મુદ્રાની ખેંચ ઉભી થઇ રહી છે. આમ અનેક વિધ વિખંડનો થઇ રહ્યાં છે. તેમાં પેલેસ્ટાઇનીયો સાથે (હમાસ સાથે) ઐક્ય ધરાવતા હૂથી વિપ્લવીઓએ રાતા સમુદ્રમાં વ્યાપારી વહાણો ઉપર પણ હુમલા શરૂ કરી દીધા છે. તેઓ ઇરાન સાથે સંબંધ ધરાવે છે.

તેઓએ કહ્યું રાતા સમુદ્રમાં બનતી ઘટનાઓ (અને) ઋતુ પરિવર્તનો માત્ર સમાચારો જ નથી તેની વિશ્વસ્તરે વિનાયક અસર થાય છે. ઘણીવાર સમગ્ર વિસ્તાર અકાર્યરત બની રહે છે.

તેઓને ફરી એકવખત અમેરિકાના પ્રમુખની ચૂંટણી વિષે કહેવાનું જણાવ્યું ત્યારે ફરી એક વખત તેઓએ તે અંગે કશું પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.


Google NewsGoogle News