ડિલિવરીમેન કૂતરાના હિંસક હુમલામાં માંડ-માંડ બચ્યો
- છત્તીસગઢના રાયપુરમાં બનેલી ઘટના
- કેન્દ્રના પ્રતિબંધ છતાં પણ લોકો પિટબુલ જેવી હિંસક પ્રજાતિના કૂતરાને પાળે છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પિટબુલ જેવી ખૂંખાર પ્રજાતિના કૂતરા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ તેની ખાસ અસર દેખાતી નથી. છત્તીસગઢમાં રાયપુરમાં પિટબુલે ડિલિવરી બોય પર હુમલો કરીને તેને જબરદસ્ત ઇજાગ્રસ્ત કર્યો હતો. ડિલિવરીમેને માંડ-માંડ જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
રાયપુરના ઘરમાં સલમાન ખાન નામનો ડિલિવરી એજન્ટ જ્યારે ડિલિવરી માટે ગયો ત્યારે તેને કલ્પના નહીં હોય કે તેણે શેનો સામનો કરવાનો આવશે. તેના પર હિંસક પ્રજાતિના ડોગ પિટબુલે હુમલો કરી દીધો. આ પિટબુલ પાછા એક ન હતા બે હતા. પિટબુલ કૂતરાઓની એક જબરદસ્ત હિંસક જાતિ છે, જેને પાળવા પર પણ ઘણા દેશોમાં પ્રતિબંધ છે. ભારત સરકારે પણ તાજેતરમાં તેના પર પ્રતિબંધ લગાવેલો છે.
ડિલિવરીમેન પર થયેલા હુમલાનો વિડીયો બાજુમાં ઘરમાં રહેતી મહિલાએ શૂટ કર્યો છે. તેમા સ્પષ્ટ દેખાય છે કે પિટબુલે ઘરમાં ડિલિવરી કરવા આવેલા એજન્ટ પર હુમલો કર્યો છે. તે બચાવો-બચાવો બૂમો પાડે છે, પરંતુ કોઈ મદદ માટે આવતું નથી જેથી કૂતરા પર કંટ્રોલ થાય. ડિલિવરીમેન પોતાને માંડ-માંડ છોડાવી ગેટની બહાર ભાગી નીકળે છે, પરંતુ તેને ખૂબ જ ઇજા થઈ છે.
તે કારના બોનેટ પર જઈને બેસીને દર્દથી કણસવા લાગે છે. તેના હાથ અને પગ પર ગંભીર ઇજા થઈ છે. આવામાં એક વ્યક્તિ આવીને તેને પાણી આપે છે. બીજી એક મહિલા તેના હાથ પર પાટો બાંધે છે. જ્યારે વિડીયો ઉતારનારી મહિલા પડોશી પર બૂમો પાડતી કહે છે કે કૂતરાઓ સંભાળી શકતા નથી તો રાખો છો શું કામ. આ માણસના હાલ જુઓ.
પિટબુલને કેન્દ્રના પ્રતિબંધ છતાં પણ રાખવામાં આવ્યા હોઈ તેના માલિકે હવે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાનો આવી શકે છે.