હરિયાણામાં ભાજપ જ્યાં જીત્યું તે EVM ની બેટરી 99% ચાર્જ કેવી રીતે થઇ? તપાસની માગ
Haryana Politics: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે આઘાતજનક રહ્યા છે. ભાજપે સતત ત્રીજી વખત જીત મેળવી સત્તા જાળવી રાખી છે. એવામાં કોંગ્રેસે પરિણામમાં ધાંધલી અને ઈવીએમ સાથે ચેડાના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓનું એક ડેલિગેશન ફરિયાદ સાથે ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યું હતું અને જે પણ ઈવીએમ સાથે ચેડા કે અન્ય ફરિયાદો મળી હોય તેને સીલ કરવાની માગ કરાઈ. સાથે જ આ સમગ્ર આરોપોને લઈને તપાસ કરવા પણ કહ્યું હતું. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ હરિયાણાની ચૂંટણીના પરિણામને લઇને પ્રતિક્રિયા આપી હતી.
'આ પરિણામો ધારણા બહાર'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે,'અમે હરિયાણાના પરિણામો પર વિમર્શ કરી રહ્યા છીએ. આ પરિણામો ધારણા બહારના છે. ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરવામાં આવી રહી છે. હરિયાણાની જનતા, પક્ષના બબ્બર શેર કાર્યકર્તાઓને ખુબ સમર્થન આપ્યું અને ભારે પરીશ્રમ કર્યો છે. આર્થિક અને ન્યાય માટેની તેમજ સત્ય માટેની આ લડાઈ જારી રહેશે. અમે જનતાનો અવાજ ઊઠાવતા રહીશું.'
કોંગ્રેસ નેતાઓનો આરોપ
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, અશોક ગેહલોત, કોંગ્રેસ કમિટીના નેતા કે. સી. વેણુગોપાલ, જયરામ રમેશ, અજય માકન, પવન ખેરા, હરિયાણા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ઉદય ભાન દિલ્હીમાં સ્થિત ચૂંટણી કમિશનની ઓફિસે અધિકારીઓને મળ્યા હતા. કોંગ્રેસના વરીષ્ઠ નેતા અભિષેક સિંઘવી ઓનલાઈન આ મીટિંગમાં જોડાયા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસની ફ્રેન્ચાઈઝી નીતિને જોરદાર લપડાક, હુડ્ડાને સર્વસત્તા સોંપવાનું ભારે પડ્યું
કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અમને 20 જેટલી ફરિયાદો ઈવીએમ અને મતગણતરીની પ્રક્રિયાને લઈને મળી છે. જેમાં સાત મત વિસ્તારોની ફરિયાદો લેખીતમાં મળી છે. જ્યાં સુધી પોસ્ટલ બેલોટની ગણતરી ચાલી રહી ત્યા સુધી કોંગ્રેસ આગળ હતી, પરંતુ જેવી ઈવીએમ દ્વારા ગણતરી શરૂ કરાઇ કે તુરંત જ વિપરીત સ્થિતિ શરૂ થઈ
કેટલીક ઇવીએમ મશીનો 99 ટકા બેટરી સાથે કામ કરી રહી હતી, મતગણતરી સમયે સામાન્ય રીતે બેટરી 60થી 70 ટકા હોય છે. જ્યાં ઈવીએમની બેટરી વધુ ચાર્જ દેખાડતી હતી ત્યાં ભાજપ જીત્યું છે ને જ્યાં બેટરી ઓછી ચાર્જ દેખાડતી હતી કોંગ્રેસ જીત્યું છે. ઈવીએમ મશીનનો ઉપયોગ થાય ત્યારે બેટરી ઉતરે છે, આટલા દિવસો બાદ પણ ઈવીએમની બેટરી 99 ટકા કેમ દેખાડતી હતી?
'સારી ચા અને મુસ્કાનથી નહીં ચાલે યોગ્ય કાર્યવાહી કરવી પડશે'
કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું હતું કે, 'અમે ચૂંટણી પંચના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી અને સાત વિધાનસભા ક્ષેત્રોના દસ્તાવેજો રજુ કર્યા હતા. હંમેશાની જેમ અધિકારીએ એક સરસ મુસ્કાન અને સરસ મજાની ચા પિવડાવી જો કે આવુ દર વખતે નહીં ચાલે. માત્ર સારી ચા અને મુસ્કાનથી નહીં ચાલે યોગ્ય કાર્યવાહી પણ કરવી પડશે. જો કે આ આરોપોને ચૂંટણી પંચના અધિકારીઓએ નકાર્યા હતા.
કોંગ્રેસના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે: ચૂંટણી પંચ
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે કહ્યું હતું કે, 'ઈવીએમની બેટરી ક્યારેય પણ ખરાબ નથી થઈ, આ બેટરી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ પણ શક્ય નથી. મશીન ખરાબ થાય તો પણ બેટરી નથી બદલાતી. ચૂંટણી પંચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, 'જયરામ રમેશ અને પવન ખેડા પરિણામો પર શંકા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમામ મતગણતરીની પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરાયું છે. કોઈ પણ પ્રકારના ચેડા નથી થયા.'