તાજમહેલમાં પડી તિરાડ, તિરાડમાં ઉગ્યું ઘાસ, અખિલેશ બગડયા યોગી સરકાર ઉપર
દર વર્ષે ૮૦ લાખ લોકો તાજમહેલ જોવા માટે આવે છે.
તિરાડમાં ઘાસ ઉગી નિકળ્યું હોવાનો ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ
આગ્રા,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪,શુક્રવાર
દુનિયાની અજાયબીઓમાં તાજમહેલ સ્થાન ધરાવે છે. દેશ તથા વિદેશના પર્યટકો મુલાકાત લેતા હોવાથી આગ્રા પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. વિશ્વ વિરાસત ગણાતા તાજમહેલમાં તિરાડ પડી હોવાથી અને તિરાડમાં ઘાસ ઉગી નિકળ્યું હોવાનો ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક રિપોર્ટ ટાંકીને જણાવાયું છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થવાથી તાજમહેલની સંગેમરમરની દીવાલો પર તિરાડો દેખાવા લાગી છે. આ ઉપરાંત ફર્શ અને બીજા કેટલાક ભાગોમાં પણ ઝીણી તિરાડો જણાય છે.
સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં તાજમહેલની તૂટેલી જાળી અને તિરાડો દર્શાવવામાં આવી છે. જાણકારોનું માનવું છે કે મુખ્ય ગુંબદ પર કોતરવામાં આવેલું કુરાનનું લખાણ ઝાખું પડવા લાગ્યું છે. મુખ્ય ગુંબજની આસપાસના દરવાજાઓ પર અરબી ભાષામાં કુરાનની આયાતો છે. વિશ્વ વિરાસત ધરોહરની નિભાવ અને મરામત કામ સંભાળતા પુરાતત્વખાતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી પર પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સવાલો ઉઠાવ્યા છે.
અખિલેશ વીડિયો શેર કર્યો છે જેમાં તાજમહેલના સંગેમરમર પર લીલું ઘાસ ઉગી નિકળ્યું હોવાનું મેન્શન કર્યુ છે. જો આવી રીતે વૃક્ષની જડ વધતી રહે તે બેદરકારીનો નમૂનો જ કહેવાય. એક માહિતી મુજબ દર વર્ષે ૮૦ લાખ લોકો તાજમહેલ જોવા માટે આવે છે. એએસઆઇ (આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા) તાજમહેલના સંરક્ષણ પાછળ ૪ કરોડ રુપિયાનો ખર્ચ કરે છે પરંતુ આવી તસ્વીરો સ્મારકની પ્રતિષ્ઠાને બટ્ટો લગાડે છે.