Get The App

રાજસ્થાનની સભામાં રાહુલ ગાંધીએ મોદીને પનોતી કહેતા વિવાદ સર્જાયો

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
રાજસ્થાનની સભામાં રાહુલ ગાંધીએ મોદીને પનોતી કહેતા વિવાદ સર્જાયો 1 - image


લોકોએ પનોતી V/s  પપ્પુના મીમ બનાવીને રમૂજ કરી

રાહુલ ગાંધી માફી માગે તેવી ભાજપની માગણી ઃ દેશમાં જાતિ આધારિત વસતિ ગણતરીનો કોંગ્રેસનો વાયદો

જયપુર: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી વખતે યોજાયેલી રેલીમાં વિવાદસ્પદ નિવેદન કરતા જણાવ્યું હતું કે પીએમ નો અર્થ પનોતી મોદી. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેડ લક વાળા ગણાવ્યા હતા. રાજસ્થાનમાં ૨૫ નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ તેમણે ઉદેપુરમાં વલ્લભનગર ખાતે બે અને બાલટોરામાં બાયટૂ ખાતે એક રેલી સબોધી હતી. 

આ રેલીને સંબોધતા તેમણે બીજા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા, તેમા દેશવ્યાપી જાતિ આધારિત સેન્સસની માંગ કરી હતી.

બાયટૂમાં રેલીને સંબોધતા ગાંધીએ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતનો પરાજય થયો તે અંગે વડાપ્રધાન માટે પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે તેથી પીએમનો અર્થ પનોતી મોદી તેમ જણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. 

ગાંધીએ આરોપ મૂક્યો હતો કે મોદીએ લોકોનું ધ્યાન બીજે ખેંચ્યુ અને અદાણીએ તેના ખિસ્સા ભર્યા. તેમણે જણાવ્યું હતું કે મેચ હારી ગયા તે જુદી વાત છે, પરંતુ જો આ પરાજયનું એક પરિબળ પનોતી મોદીની હાજરી પણ હતી. અહીં તેમણે પીએમનો અર્થ પનોતી મોદી લોકોને સમજાવ્યો હતો.

તેમણે પીએમ મોદી પર મોટા ઉદ્યોગપતિઓને લોનો માફ કરીને તેમને અબજો રુપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજસ્થાનમાં સત્તા પર ફરીથી આવી તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. તેના પછી કેન્દ્રમાં સત્તા પર આવી તો સમગ્ર દેશમાં આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. 

રાહુલ ગાંધીએ પીએમનો અર્થ પનોતી મોદી કરતા ભાજપે પણ વળતો પ્રહાર કરીને તેમને માફી માંગવા જણાવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દેશના પીએમ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી અત્યંત શરમજનક, વખોડવાલાયક છે. તેમણે યાદ કરાવ્યું હતું કે તેમની માતા સોનિયા ગાંધીએ પણ ૨૦૦૭માં ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે મોદીને મૌત કા સોદાગર કહ્યા હતા.  તે વખતે પાસું ઉલટું પડયું હતું તે મોદીની તરફેણમાં માહોલ બન્યો હતો. રાહુલના આ નિવેદનથી ભાજપને રાજસ્થાનમાં કેટલો ફાયદો થશે તે જોવું રહ્યું. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે તેના વચનોનો પીટારો ખુલ્લો મૂકી દીધો હતો. તેમા જાતિ આધારિત સેન્સસ, ખેડૂતો અને યુવા માટે સંખ્યાબંધ યોજનાઓ, તેમા દસ લાખને રોજગાર, પંચાયત માટે ભરતી માટે નવી યોજનાનો સમાવેશ થાય છે. ચિરંજીવ હેલ્થ યોજના હેઠળનું કવરેજ ૨૫ લાખથી બમણુ કરી ૫૦ લાખ કરવાની, નાના વેપારીઓને પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવાની, મહિલાઓને દર વર્ષે દસ હજાર આપવાની, બે રુપિયો કિલોમાં છાણ ખરીદવાની જાહેરાત તેના ચૂંટણી  ઢંઢેરામાં કરી હતી. 



Google NewsGoogle News