'બાળક છે કોઈ રમકડું નથી': હાઈકોર્ટના જજે માતા-પિતાને લગાવી ફટકાર

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
'બાળક છે કોઈ રમકડું નથી': હાઈકોર્ટના જજે માતા-પિતાને લગાવી ફટકાર 1 - image


Image Source: Freepik

Child Custody Case: બાળકની કસ્ટડી સાથે સબંધિત એક કેસની સુનાવણી કરતા હાઈકોર્ટે માતા-પિતાને સખત ફટકાર લગાવી છે. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચનું કહેવું છે કે, બાળકને માતા-પિતાના રમકડાં તરીકે ન સમજવા જોઈએ. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, બાળકના હિતને સૌથી ઉપર રાખવું જોઈએ. કોર્ટે માતા અને પિતા બંનેને બાળકની ગરમીની રજા દરમિયાન સમાન કસ્ટડી આપવાનો આદેશ આપ્યો છે. 

બાળકની માતા દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી દ્વારા ફેમિલી કોર્ટના 8 મે ના આદેશનો પડકારવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે પિતાને 7 અઠવાડિયા અને માતાને 5 અઠવાડિયાની કસ્ટડી આપી હતી. અરજી પર સુનાવણી જસ્ટિસ ભરત દેશપાંડેની બેન્ચ કરી રહી હતી.

કોર્ટે શું કહ્યું

કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે, અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે, માતા-પિતાએ મુલાકાતના અધિકારોની ભરપાઈ કરવા માટે બાળકને રમકડાની જેમ ન સમજવું જોઈએ. બાળક સાથે માણસની જેમ વ્યવહાર કરવો જરૂરી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે બાળકના હિત ને સૌથી ઉપર રાખવું જોઈએ. 14 જૂને કોર્ટમાં આદેશ જારી કરવામાં આવ્યો હતો.

બાળકના માતા-પિતા

બાળકના માતા-પિતા અમેરિકન નાગરિક છે અને તેમના લગ્ન કેલિફોર્નિયામાં થયા હતા અને બાળકનો જન્મ 2019માં પેરિસમાં થયો હતો. થોડા સમય પછી બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને પિતા બાળકને લઈને ગોવા આવી ગયા. ત્યારે કેલિફોર્નિયાની કોર્ટે એક્સ પાર્ટ ઓર્ડરમાં બાળકની કસ્ટડી પિતાને સોંપી દીધી હતી. 

ત્યારબાદ માતા પણ ભારત આવી ગઈ અને બંનેએ મળીને માપુસામાં ફેમિલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો. મહત્વની વાત એ છે કે, હાઈકોર્ટે આદેશમાં એ પણ જણાવ્યું છે કે, તેણે ઓક્ટોબર 2023માં ફેમિલી કોર્ટના જૂન 2023ના એક આદેશમાં સુધારો કર્યો છે. ત્યારે બાળકની કસ્ટડી માતાને આપવામાં આવી હતી અને પિતાને મળવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. 

 માતાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

અહેવાલ પ્રમાણે પિતા બાળકને ખરાબ સ્વાસ્થ્યના કારણે તેને નહોતો મળી શક્યો અને તેમણે સ્કૂલની રજા દરમિયાન બાળકની કસ્ટડી માટે માપુસાની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે 8 મે ના રોજ ફેમિલી કોર્ટ દ્વારા જારી આદેશમાં પિતાને 7 અઠવાડિયા અને માતાને 5 અઠવાડિયાની કસ્ટડી આપવામાં આવી હતી. હવે તેના વિરુદ્ધ માતાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. 

પિતાને 7 અઠવાડિયાની કસ્ટડી આપવી એ બાળકના હિત વિરુદ્ધ

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જજે કહ્યું કે, પિતાને 7 અઠવાડિયાની કસ્ટડી આપવી એ બાળકના હિત વિરુદ્ધ છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આવી નાજુક ઉંમરમાં માતાની હાજરી તેમના માટે વધુ જરૂરી છે. કોર્ટે માતા-પિતા વચ્ચે કસ્ટડીનો સમય બરાબર વહેંચવાની વાત કહી છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે 11 અઠવાડિયા બરાબર વહેંચવામાં આવશે અને બંનેને 5-5 અઠવાડિયાની કસ્ટડી મળશે. 


Google NewsGoogle News