એક સમયે દેશના આ રાજ્યના મુખ્યમંત્રીનું ઘર શોધવામાં પોલીસને પડ્યા હતા ફાંફા, બે કલાકે જડ્યું હતું
Image Twitter |
Uttar Pradesh CM's House: આ વાત 1999ની છે. જ્યારે કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. પરંતુ પક્ષના મોવડીમંડળ ખાસ કરીને વડાપ્રધાન વાજપેયી સાથે તેમને ખટરાગ ચાલતો હતો. મહત્ત્વનું એ છે કે, આ બંને નેતાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ અને જનસંઘના સમયથી એક સાથે રાજકારણમાં સક્રિય હતા અને મહત્ત્વના ચહેરા બની ગયા હતા. જેને બ્રાહ્મણ અને વાણિયાની પાર્ટી કહેવાતી હતી. તે ભાજપમાં અટલ બિહારી વાજપેયી બ્રાહ્મણ ચહેરો હતો. જ્યારે કલ્યાણસિંહ ઓબીસીનો ચહેરો બની ગયા હતા, ત્યારે વાજપેયી અને કલ્યાણસિંહની લોકપ્રિય જુગલબંધીની ચર્ચા થતી હતી.
તાકાત હોય તો ઉત્તર પ્રદેશની કોઇ બેઠક પરથી જીતી બતાઓ...
કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના ટોચના નેતા હતા તો વાજપેયી રાષ્ટ્રીય સ્તરના ટોચના નેતા હતા. પરંતુ જોડી વચ્ચે જ્યારે મતભેદો ઉભા થયા ત્યારે કલાણસિંહે વાજપેયીને ચેલેન્જ આપી હતી, કે તાકાત હોય તો ઉત્તર પ્રદેશની કોઇ બેઠક પરથી જીતી બતાઓ. તે સમયે કલ્યાણસિંહ હિન્દુ હૃદયના સમ્રાટ કહેવાતા હતા. ત્યારે બંને નેતાઓ વચ્ચે અહમની લડાઇ શરૂ થઇ હતી.
વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે કલ્યાણસિંહને હટાવવાનો નિર્ણય કરાયો
આ ઝધડાનું પરિણામ એ આવ્યું હતું કે ઉત્તરપ્રદેશ ભાજપ બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. 13 મહિના પહેલા 1998માં લખનૌ બેઠક પરથી વાજપેયી 4 લાખ 31 હજાર વોટથી જીત્યા હતા, તેમને 70,000 વોટથી જીત મળી હતી. 1998માં જે ભાજપ યુપીમાં 58 બેઠકો જીતી હતી, તે ઘટીને 1999માં અડધી એટલે કે 29 પર આવી ગઇ હતી. એવુ કહેવામાં આવે છે કે અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન બનતા રોકવા કલ્યાણસિંહે પ્રયાસ કર્યા હતા. બીજી તરફ કલ્યાણસિંહ સામે તેમના બે મંત્રી કલરાજ મિશ્રા અને લાલજી ટંડને વિરોધનો મોરચો ખોલ્યો હતો, જ્યારે વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યારે કલ્યાણસિંહને હટાવવાનો નિર્ણય લીધો હતો. કલ્યાણ સિંહે પછાત વર્ગનું કાર્ડ એવી રીતે રમ્યું હતું કે, તેમાં તેમના નજીકના પ્રતિ સ્પર્ધી એવા લાલજી ટંડન અને કલરાજ મિશ્રાનું પત્તું કપાઇ ગયું હતું.
રામપ્રકાશ ગુપ્તા સામાન્ય ઘરમાં રહેતા હતા
વાજપેયી ત્યારે રાજનાથ સિંહને મુખ્યપ્રધાન બનાવવા માંગતા હતા. પરંતુ ત્યાં પછાત વર્ગના મુખ્ય પ્રધાનની જરૂર હતી. ત્યારે ભાજપનું મોવડી મંડળ કોઇ પછાત વર્ગના નેતાની શોધમાં લાગી ગયું હતું. ત્યારે યોજાયેલી બેઠકમાં વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, કુશાભાઉ ઠાકરે, ડો મુરલી મનોહર જોશી હાજર રહ્યા હતા. એ વખતે તેમની નજર 76 વર્ષના રામપ્રકાશ ગુપ્તા પર પડી હતી. તેમનું નામ નક્કી કર્યા પછી લખનૌ પાલીસને મેસેજ આપવા તેમના ઘરે મોકલવાની હતી, કે તમારે દિલ્હી જવાનું છે. પરંતુ રામપ્રકાશ ગુપ્તા સામાન્ય ઘરમાં રહેતા હતા. તેમનું ઘર શોધતાં લખનૌ પોલીસને રાત્રે બે કલાક લાગ્યા હતા. ત્યારબાદ રામપ્રકાશ ગુપ્તાએ 12 નવેમ્બર 1999ના રોજ ઉત્તર પ્રદેશના 19માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તે 28 ઓેક્ટોબર 2000 સુધી સત્તા પર રહ્યા હતા. ત્યારબાદ તેમની જગ્યાએ રાજનાથ સિંહની નિમણૂક કરવામાં આવી હતી.