VIDEO: મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને ચેક કરનાર ભાજપ ઉમેદવાર સામે FIR
Lok Sabha Elections 2024 : તેલંગણાની હૈદરાબાદ લોકસભા બેઠક પરની BJP ઉમેદવાર માધવી લતા (Maadhavi Latha)એ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવી ચેક કરવું ભારે પડ્યું છે. આ મામલે તેમની સામે માલકપેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. લતા સામે આઈપીસીની કલમ 171સી, 186, 505(1)(સી) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ કેસ નોંધાયો છે.
માધવી લતાનો વીડિયો વાયરલ
હાલ માધવી લતાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓની ઓળખ પત્રની તપાસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે. માધવી લતા મતદાન કેન્દ્રની અંદર મુસ્લિમ મહિલાઓને બુરખો હટાવવા માટે કહી રહી છે અને તેમની ઓળખ પત્રની તપાસ કરતા જોવા મળી રહી છે. એટલું જ નહીં તેઓ મહિલાઓને પોતાની ઓળખ બતાવવા પણ કહી રહ્યા છે.
મેં કોઈ ખોટું કામ કર્યું નથી : માધવી લતા
આ મામલે માધવી લતાએ કહ્યું કે, ‘મેં મુસ્લિમ મહિલાઓને પોતાની ઓળખ વેરિફાય કરવા માટે વિનંતી કરી હતી અને આવું કરવું કોઈ ખોટું કામ નથી. હું ચૂંટણીમાં ઉમેદવાર છું અને કાયદાકીય રીતે ફેસમાસ્ક પહેરેલા મતદારોના ઓળખ પત્રની તપાસ કરવાનો એક ઉમેદવારને પુરો અધિકાર છે. હું કોઈ પુરુષ નથી, હું એક મહિલા છું. મેં તે મહિલાઓને ઓળખ બતાવવા માટે સંપૂર્ણ વિનમ્રતા સાથે વિનંતી કરી હતી. મેં તેમને કહ્યું હતું કે, શું હું પ્લીઝ તમારી આઈડી કાર્ડ જોઈ શકું છું? જો કેટલાક લોકો આ વાતને મોટો મુદ્દો બનાવવા માંગે છે, તો તેનો અર્થ એ છે કે, તેઓ ડરી ગયા છે.’
માધવીએ પોલીસ સામે કર્યો આક્ષેપ
આ પહેલા માધવી લતાએ પોતાના મત ક્ષેત્રને લઈ મતદાર યાદીમાં વિસંગતતાઓ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પોલીસ કર્મચારીઓ ખૂબ જ આળસુ દેખાઈ રહ્યા છે, તેઓ સક્રિય નથી, તેઓ કોઈપણ તપાસ કરી રહ્યા નથી. વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા આવ્યા હતા, પરંતુ તેમના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયા છે.’