Ram Mandir: પ્રસાદના 15000 ડબ્બા બનાવી પૈસા જ ન લીધા, દુકાનદારની રામજન્મભૂમિ ટ્રસ્ટને ભેટ
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવેલા મહેમાનોને આપવા માટે બનાવેલ પ્રસાદના ડબ્બામાં સાત આઈટમો મુકવામાં આવી હતી
Image Twitter |
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા વડાપ્રધાન મોદીના હસ્તે આજે સોમવારે બપોરે 12 કલાક 29 મિનિટ પર અભિજીત મુહુર્તમાં સંપન્ન થઈ ગઈ. પ્રાણ -પ્રતિષ્ઠા સમારોહમાં દેશમાં વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ દરમિયાન આ મહાન હસ્તીઓને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસાદના ડબ્બામાં 7 આઈટમ મુકવામાં આવી હતી.
માહિતી પ્રમાણે ડબ્બામાં લાડુનો પ્રસાદ સાથે દીવો મુકવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા આ 15000 ડબ્બા લખનઉની છપ્પન ભોગ નામે દુકાન ધરાવનારને ઓર્ડર આપવામાં આવ્યો હતો. એવુ કહેવામાં આવે છે કે, આ દુકાનદારે આ 15 હજાર ડબ્બાનું પેમેન્ટ લેવાની મનાઈ કરી દીધી હતી.
શું શું હતું આ ડબ્બામાં...?
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવેલા મહેમાનોને આપવા માટે બનાવેલ પ્રસાદના ડબ્બામાં સાત આઈટમો મુકવામાં આવી હતી. જેમા શુધ્ધ ઘીના બે લાડુ, ગોળની રેવડી, રાજગરાની (રામદાણા) ચિક્કી, રોટી પ્રસાદ, તુલસીપાન, ચોખા, એક રામ દીવો અને ઈલાયચી રાખવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે કાર્યક્રમમાં આવેલા મહેમાનોને આ મહાપ્રસાદ વિતરણ કરવામા આવ્યો હતો. જેમાં દેશી ઘીમાં બનાવેલ સાત્વિક વાનગીઓનો સમાવેશ થાય છે.