મહારાષ્ટ્રના આત્મા પર કારમો ઘા : ઉદ્ધવ
- મોદીએ માગેલી માફીમાં નર્યો અહંકાર,તેમના ચહેરા પર માફીના કોઈ ભાવ ન હતાઃ મુંબઈમાં ઉદ્ધવ, શરદ પવાર, કોંગ્રેસનું સંયુક્ત જોડા માર આંદોલન
- શિવાજીની પ્રતિમા ધરાશાયી
- ઉદ્ધવનો ટોણો, મોદીની અસલી ગેરન્ટી તો એ છે કે તેઓ જ્યાં હાથ મૂકે ત્યાંથી સત્ય નષ્ટ થઈ જાય છેઃશું મોદીએ પ્રતિમાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર માટે માફી માગી છે ?
- ગેટ વે ઓફ ઈન્ડિયામાં પર્યટકોને પ્રવેશબંધી
રવિવારની રજા દરમિયાન ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. પરંતુ, આજે મહાવિકાસ આઘાડીનું જુત્તા માર આંદોલન હોવાથી સવારે જ પોલીસે સમગ્ર ગેટ વે ઓફ ઈન્ડિયા સંકુલને પ્રવાસીઓ માટે બંધ કરી દીધું હતું. તેના કારણે મુંબઈના દૂર દૂરના વિસ્તારો ઉપરાતં બહારગામથી આવેલા પર્યટકો પણ નિરાશ થઈ ગયા હતા. વરસાદ અટક્યો હોવાથી અસંખ્ય પર્યટકો આજે ખાસ ગેટ વે ખાતે આવ્યા હતા પરંતુ પોલીસે તેમને દૂરથી જ પાછા વાળ્યા હતા. સાઉથ મુંબઈમાં ઠેર ઠેર આડશો ઊભી કરાતાં ટૂરિસ્ટોના વાહનોને પણ અગવડ પડી હતી.
- શિવદ્રોહીઓને પાઠ ભણાવવા તાંડવ થશે
જોડામાર કાર્યક્રમ માટે મહારાષ્ટ્ર ભરમાંથી આવેલા ઉદ્ધવ સેના, કોંગ્રેસ તથા શરદ પવારની એનસીપીના કાર્યકરોએ શિવ દ્રોહીઓને પાઠ ભણાવવા તાંડવ યુદ્ધ થશે, યુદ્ધ કર ભયંકર યુદ્ધ કર, જે પ્રતિમા તોડો એને ફટકારો જોડે જોડે એવાં સૂત્રો પોકાર્યાં હતાં. આ સૂત્રો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતાં.
- સીએમ તથા એક્સ સીએમનાં બેનરને એક્સ સીએમએ જોડા ફટકાર્યાઃ સાંપ્રત ઇતિહાસની પહેલી ઘટનાં
ઉદ્ધવ ઠાકરેએ ખુદ હાથમાં જોડા લઈને સીએમ એકનાથ શિંદે તથા ડેપ્યુટી સીએમ અને રાજ્યના એક્સ સીએમ દેવેન્દ્ર ફડણવીસની તસવીરોને જોડા ફટકાર્યા હતા. રાજ્યના સાંપ્રત ઈતિહાસમાં કોઈ એક્સ સીએમ તેના પુરોગામી તથા અનુગામી સીએમની તસવીરને જોડા ફટકારતા હોય તેવું આ કદાચ પહેલુ ંદ્રશ્ય છે એમ જાણકારોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ખુદ એકનાથ શિંદે ઉદ્ધવ સરકારના મંત્રી રહી ચૂક્યા છે તો ઉદ્ધવની પાર્ટી પણ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ભાગીદાર રહી ચૂકી છે. આ બેનરમાં નાયબ સીએમ અજિત પવારનો પણ ફોટો હતો અને ઉદ્ધવ જ્યારે સીએમ હતા ત્યારે અજિત પવાર તેમની સરકારના સાથી રહી ચૂક્યા છે. આ કાર્યક્રમ વખતે રાજ્યના એકસ સીએમ શરદ પવાર પણ હાજર હતા જોકે તેમણે હાથમાં જોડો લેવા જેવી આક્રમક ચેષ્ટા દેખાડવાનું ટાળ્યું હતું. ઉદ્ધવ શિંદે, ફડણવીસ તથા અજિત પવારની તસવીરોના બેનરને જોડો મારતા હોય તેવો વીડિયો આજે ભારે વાયરલ થયો હતો અને તેના પર જાતજાતની કોમેન્ટસ પણ થઈ હતી.
નવી દિલ્હી: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માગેલી માફીમાં નર્યો અહંકાર છલકાતો હતો. આવી માફી સ્વીકાર્ય નથી. શિવાજી મહારાજની પ્રતિમા આ સરકારના ભ્રષ્ટાચારના પાપે ધરાશાયી થઈ છે. આ પ્રતિમા તૂટી પડવી એ મહારાષ્ટ્રના આત્મા પર કારમો ઘા છે. શિવપ્રેમી મહારાષ્ટ્રના નાગરિકો આ ઘા સાંખી નહિ લે. મોદીની ગેરંટી છે કે તેઓ જ્યાં હાથ મૂકે ત્યાં સત્યનું પતન થઈ જાય છે એમ શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે આ પ્રતિમા ધરાશાયી થવાના વિરોધમાં મુંબઈમાં શરદ પવાર, સુપ્રિયા સૂળે, કોંગ્રેસનાં વર્ષા ગાયકવાડ સહિતના નેતાઓની હાજરીમાં જૂતા માર આંદોલન વખતે જણાવ્યું હતું. ઉદ્ધવે ખુદ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ તથા ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર અજિત પવારના ચહેરા સાથેનાં બેનર પર જૂતાં ફટકાર્યાં હતાં.
ઉદ્ધવની શિવસેના, શરદ પવારની એનસીપી તથા કોંગ્રેસના કાર્યકરોએ ઐતિહાસિક હુતાત્મા ચોક ખાતે મહારાષ્ટ્ર રાજ્યના આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં આ મોરચો ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે કૂચ કરી ગયો હતો. પોલીસે મોરચાને અટકાવવા માટે પ્રયાસો કરતાં ભારે ઉત્તેજના છવાઈ હતી.
ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે મોરચાને સંબોધન કરતાં ઉદ્ધવે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કોઈ કાળે સાંખી લેશે નહીં. ઉદ્ધવે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઢવણ બંદરના ભૂમિપૂજન વખતે શિવાજીની પ્રતિમાનાં ધરાશાયી થવા અંગે માફી માગી ત્યારે તેમના ટોનમાં નર્યો અહંકાર છલકતો હતો. વડાપ્રધાનના ચહેરા પર માફીના કોઈ ભાવ જ ન હતા. તેમની બાજુમાં ઊભા રહેલા આપણા એક ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર તે વખતે હસી રહ્યા હતા. વડાપ્રધાન પોતે જેનું આઠ જ મહિના પહેલાં અનાવરણ કર્યું હતું તે પ્રતિમાના ધરાશાયી થવા બાબતે માફી માગી રહ્યા હતા ? કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો તે બાબતે ? તેવો સવાલ ઉદ્ધવે કર્યો હતો. આ પ્રતિમા ધરાશાયી થઈ તે મહારાષ્ટ્રના આત્મા પર થયેલો પ્રહાર છે એમ તેમણે કહ્યું હતું.
ઉદ્ધવે પોતાના પ્રવચનમાં અયોધ્યાના રામ મંદિર તથા નવાં સંસદ ભવનના પણ ઉદાહરણો આપીને મોદીની ગેરન્ટીનો ઉપહાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મોદીની ગેરન્ટી છે. તેઓ જ્યાં પણ હાથ મૂકે છે ત્યાં સત્યનું પતન થાય છે. આવી ભૂલ માટે કોઈ બહાનું ચાલે નહિ.
શરદ પવારે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના પાપે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી છે. તમામ શિવપ્રેમીઓની લાગણી આથી દૂભાઈ છે.
કોંગ્રેસના નેતા નાના પટોળેએ કહ્યું હતું કે આવી શિવદ્રોહી સરકારને સત્તા પર આવવા દીધી તે માટે વિપક્ષ શિવાજી મહારાજની માફી માગે છે. હવે અમે તેનું પુનરાવર્તન થવા દઈશું નહિ. વડાપ્રધાને તો કેવળ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને માફી માગી છે.
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાચવી ન શકે તેવી શિવદ્રોહી સરકારને માફ ન કરી શકાય આ સરકાર જોડાન ેજ લાયક છે તેવા મેસેજીસ પણ આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા,.