Get The App

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ફટકો, પૂજા પર હાલ પ્રતિબંધ મૂકાયો નહીં

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ફટકો, પૂજા પર હાલ પ્રતિબંધ મૂકાયો નહીં 1 - image


- જ્ઞાનવાપી કેસમાં હવે હાઈકોર્ટમાં 6 ફેબુ્ર.એ સુનાવણી

- વ્યાસ ભોંયરામાં પૂજા માટે 8 મૂર્તિઓ, પાંચ વખત આરતી કરાશે : મુસ્લિમ પક્ષના બંધ પહેલાં સુરક્ષા દળોની ફ્લેગ માર્ચ

- વ્યાસ ભોંયરામાં દર્શન માટે હિન્દુઓ જ્યારે મસ્જિદમાં શુક્રવારની નમાઝ માટે હજારો મુસ્લિમો ઉમટી પડયા

પ્રયાગરાજ : જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજાની મંજૂરી આપવાના વારાણસી જિલ્લા કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષે શુક્રવારે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષને ફટકો પડયો હતો. હાઈકોર્ટે શુક્રવારે અરજી પર સુનાવણી કરી હતી, પરંતુ તેમને કોઈપણ રાહત આપી નહોતી. આ કેસમાં હવે ૬ઠ્ઠી ફેબુ્રઆરીએ સુનાવણી થશે. દરમિયાન જિલ્લા કોર્ટના આદેશના વિરોધમાં મુસ્લિમ પક્ષે બંધની હાકલ કરી હતી, જેની મુસ્લિમ વિસ્તારોમાં અસર જોવા મળી હતી. જોકે, આ બંધ પહેલાં પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી. બીજીબાજુ હિન્દુ પક્ષે વ્યાસ ભોંયરામાં પૂજા-આરતી શરૂ કરી દીધા છે.

અલ્લાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિને કહ્યું હતું કે, ૧૭ જાન્યુઆરીના આદેશને પડકારવામાં ના આવે ત્યાં સુધી કશું કરી શકાય નહીં. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ ભોંયરામાં શરૂ થઈ ગયેલી પૂજા-આરતી પર સ્ટે મૂકવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે મસ્જિદ સમિતિને ૬ ફેબુ્રઆરી સુધીમાં તેની અરજીમાં સુધારા કરવા કહ્યું હતું. હવે આગામી સુનાવણી ૬ ફેબુ્રઆરીએ બપોરે ૨.૦૦ વાગ્યે થશે.

અલ્લાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી સમયે ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલ સમક્ષ અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિના વકીલે એસએફએન નકવીએ દલીલ કરી હતી કે, વારાણસીના જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશાએ ૩૧મી જાન્યુઆરીએ તેમની નિવૃત્તિના આગલા દિવસે જ ઉતાવળે આ નિર્ણય આપ્યો છે. વધુમાં આદેશ આપતા તેમણે મુસ્લિમ પક્ષના દસ્તાવેજો ચકાસ્યા નથી.

હિન્દુ પક્ષ તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, જિલ્લા કોર્ટનો આદેશ હકીકતમાં ૧૭ જાન્યુઆરીએ અપાયો હતો. આ આદેશથી વારાણસીના જિલ્લા અધિકારીની  રિસિવર તરીકે નિણૂક થઈ છે. આ આદેશના પગલે જિલ્લા અધિકારીએ ૨૩ જાન્યુઆરીએ જ્ઞાનવાપી પરીસર પોતાના કબજામાં લઈ લીધું છે. ત્યાર પછી જિલ્લા જજે ૩૧ જાન્યુઆરીએ વચગાળાના આદેશથી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના પૂજારીના માધ્મયથી જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાની મંજૂરી આપી હતી. અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિએ ૩૧ જાન્યુઆરીની સ્થિતિ જાળવી રાખવા વિનંતી કરી હતી. જોકે, મસ્જિદ પક્ષને પહેલા ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના આદેશને પડકારવા કહ્યું હતું.

જિલ્લા કોર્ટના આદેશના વિરોધમાં અંજુમન ઈંતજામિયા મસ્જિદે શુક્રવારે વારાણસી બંધનું એલાન આપ્યું હતું અને મુસ્લિમોને મોટી સંખ્યામાં જ્ઞાનવાપી મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવા હાકલ કરી હતી, જેને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ ફ્લેગ માર્ચ કરી હતી. બીજીબાજુ હજારોની સંખ્યામાં મુસ્લિમો શુક્રવારની નમાઝ માટે ઉમટી પડયા હતા. જોકે, આકરી સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ રીતે નમાઝ અને દર્શન પૂર્ણ થયા.

દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદની અંદર વ્યાસ ભોંયરામાં પૂજા ફરી શરૂ કરવાનો અધિકાર મળ્યાના કલાકોમાં જ હિન્દુ પક્ષે રાતે ૨.૦૦ વાગ્યાથી પૂજા-આરતી શરૂ કરી દીધા છે. અહીં દરરોજ પાંચ વખત આરતીનો સમય નિશ્ચિત કરાયો છે. સૌથી પહેલા મંગલા આરતી, ત્યાર પછી ભોગ આરતી, અપરાહ્ન આરતી, સંધ્યા આરતી અને શયન આરતી કરાશે. ભોંયરામાં શિવલિંગ, હનુમાનજી, ગણેશજીની પ્રતિમા સહિત ૮ મૂર્તીઓ મૂકાઈ છે.


Google NewsGoogle News