ભીખારી મહિલાએ ભીખ માંગીને ૫૦ દિવસમાં ૨.૫૦ લાખ રુપિયા મેળવ્યા
અપંગની લાકડીના સહારે દરરોજ ભીખ માંગતી હતી
ભીખારી મહિલાના હાથમાં સ્માર્ટફોન અને ગામમાં ઘરનું ઘર
ઇન્દોર,૧૩ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
મધ્યપ્રદેશના આર્થિક પાટનગર અને કલીન સિટી ઇન્દોરમાં એક ભીખારી મહિલાએ ૫૦ દિવસમાં ૨ લાખ રુપિયાની આવક મેળવી હોવાનું બહાર આવ્યું છે. ચાર રસ્તા પર દર્દભર્યો ચહેરો રાખીને ભીખ માંગતા ભીખારીઓને જોઇને તેમના માટે કરુણા ઉભરાતી હોય છે. ભીખ માંગવાનું દર્દ સમજી શકાય છે પરંતુ તેમાં મળતી આવકનો ચોંકાવનારો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. ઇન્દોરની એક સંસ્થાએ ઉજજૈન રોડ પર એક લવ કુશ ચાર રસ્તાએ ભીખ માંગતી એક મહિલા અને તેની બાળકીને પકડી હતી.
મહિલાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ૧૫ થી ૨૦ દિવસમાં ૫૦ હજાર જેટલી આવક મળે છે. એટલું જ નહી ગામમાં પોતાનું ઘર અને સ્માર્ટફોન પણ રાખે છે. આ મહિલાએ પોતાના બાળકોના નામ પર ૫૦ હજાર રુપિયાની એફડી પણ જમા કરાવી છે. મહિલાએ ચોંકાવનારી વાત તો એ કરી હતી કે તેને ૪૫ દિવસમાં ૨.૫૦ લાખ રુપિયાની આવક મેળવી છે જેમાંથી ૧ લાખ રુપિયા પોતાના પરિવારજનોને મોકલાવ્યા હતા.
મહિલા હાથમાં અપંગની લાકડી લઇને તેના સહારે દયામણો ચહેરો કરીને ભીખ માગતી હતી.ભીખારી મહિલા પકડાઇ જવાના ડરથી અચાનક જ દોડવા લાગી હતી. તેના શરીરમાં કોઇ પણ પ્રકારની ખોડખાપણ હોય તેમ જણાતું ન હતું.
બાલ કલ્યાણ માટે કામ કરતી એક એનજીઓએ પુછપરછ કરતા ભીખારી મહિલાએ જણાવ્યું હતું કે દેશના સાતમોટા શહેરોમાં હોટ સ્પોટ પર તેના પરિવારના લોકો ભીખ માંગીને સારી એવી આવક મેળવે છે. ભીખ માંગતી વખતે જો પકડાય તો તે સ્પોટ પર પરિવારના બીજા સભ્યને મોકલી દેવામાં આવે છે. મહિલાએ એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે તેના પતિ પાસે એક ગાડી પણ છે.