IASની તૈયારી કરતો હતો, બ્રેઇન ડેડ થયો તો પિતાએ લાડકા પુત્રના સાત અંગનું દાન કર્યું
Brain Dead IAS Aspirant Donated His Organs: મધ્યપ્રદેશ સ્થિત ખરગોનના કસરાવદ વિસ્તારના નાનકડા ગામ સાંગવીના મોયદે પરિવારે સાત લોકોને જીવનદાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તેમણે તેમના બ્રેઇન ડેડ પુત્રના એક નહીં, પરંતુ સાત અંગનું દાન કર્યું છે. કલેક્ટર બનવાનું સપનું ધરાવતો 24 વર્ષીય વિશાલ મોયદે ગ્રેજ્યુએશન બાદ યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. જે બ્રેઇન ડેડ જાહેર થતાં તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
2018માં ખરગોન શહેરના ખંડવા રોડ સ્થિત સરકારી બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલ નંબર 2માં બી.એડ.નું પેપર આપી રહ્યો હતો, તે સમયે અચાનક વિશાલને માથામાં દુખાવો થયો અને ઢળી પડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર સમસ્યાઓ હોવાનું નિદાન આવતાં તેને ઇન્દોર ખસેડવામાં આવ્યો હતો. બાદમાં ગુજરાતની ઝાયડ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મગજમાં લોહી ગંઠાઈ ગયું
નિદાનમાં જાણવા મળ્યું હતું કે, વિશાલના માથામાં લોહી ગંઠાઈ જવાથી નસો જકડાઈ ગઈ હતી. ત્યારબાદ વિશાલની સતત સારવાર થઈ રહી હતી. વિશાલે તેની માતાને તેની અંતિમ ઇચ્છા જણાવી હતી કે, જો મારી અંતિમ ક્ષણ આવે તો મારા શરીરના અંગોનું ગરીબ અને જરુરિયાતમંદોને દાન કરજો. સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા ન મળતાં ડૉક્ટરે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. બાદમાં વિશાલના માતા-પિતાએ સાહસનું કામ કરતાં દિકરાની અંતિમ ઇચ્છા પૂરી કરવા ડૉક્ટરની મદદ લીધી. અમદાવાદના ડૉક્ટરે પહેલાં તો કહ્યું કે, તમે તમારા પરિવારમાં કોઈ જરુરિયાતમંદને અંગદાન કરી શકો છો. પરંતુ કોઈ ન મળતાં ડૉક્ટરની ટીમે ઓનલાઇન વેઇટિંગ લિસ્ટ પર કામ શરુ કર્યું હતું.
આ પણ વાંચોઃ પેરિસથી દુઃખદ સમાચારઃ ભારતીય ગોલ્ફરની કારને અકસ્માત, સાતમીથી શરૂ થવાની છે મેચ
આ હૉસ્પિટલમાં અંગોનું દાન કર્યું
વડોદરામાં સુપર કોરિડોર તૈયાર કરી ડૉક્ટર્સની ટીમે વિશાલના શરીરમાંથી લિવર, હૃદય, નાનું આંતરડું અને બન્ને કિડની સહિત કુલ સાત અંગોનું દાન કર્યું. જેમાં અમદાવાદની ઝાયડ્સ હૉસ્પિટલ કિડની, કેડી હૉસ્પિટલમાં ફેફસા, રિલાયન્સ હૉસ્પિટલ મુંબઈમાં હૃદય, એમજીએમ હૉસ્પિટલ ચેન્નઈમાં નાનું આંતરડું અને સુરતની કિરણ હૉસ્પિટલમાં લિવર મોકલવામાં આવ્યું હતું.
અંગોનું દાન કરતાં પહેલાં પૂજા કરી
વડોદરામાં પોતાના દિકરાનું અંગદાન કરતી વખતે વિશાલની માતા સુશીલા અને પિતા અંબારામે દિકરાના અંગોની પૂજા કરી અને ડૉક્ટરને સુપર કોરિડોરના માધ્યમથી અંગ મોકલવા અપીલ કરી હતી. વિશાલના પિતાએ જણાવ્યું હતું કે, માનવ જગતને સંદેશ આપવા માંગુ છું કે, પ્રત્યેક માનવે આવા કાર્યો કરવા જોઈએ. કારણકે, આપણો આત્મા શરીર ત્યજી જતો રહે છે. આપણા શરીરના અંગો કોઈ જરુરિયાતમંદના ઉપયોગમાં આવે તો તેને નવું જીવન મળી શકે છે, જે એક સૌભાગ્યની વાત છે.