99 વર્ષની લીઝ પૂરી થયા પછી ફ્લેટ છોડવો પડશે? ઘર ખરીદતા પહેલા જાણી લો નિયમ
શહેરોમાં બે પ્રકારે ઘરનું વેચાણ થતું હોય છે, લીઝ હોલ્ડ અને ફ્રીહોલ્ડ
ફ્રીહોલ્ડ એ પ્રોપર્ટી છે કે જેના પર કોઈનો અધિકાર નથી હોતો
Image Freepic |
તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર
કોરોના મહામારી પછી દેશમાં રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળી રહી છે. કિંમતની વાત કરીએ તો દરરોજ ભાવ વધી રહ્યા છે. તેમ છતાં પણ લોકો પોતાનું ડ્રીમ હોમ ખરીદી રહ્યા છે, અને તેના માટે બેંકમાંથી સરળતાથી લોન પણ મળી રહે છે. એટલે પુરી સગવડ ન હોય તો બેંકમાથી લોન લઈને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકો છો. પરંતુ અહીં સવાલ એ છે કે, શહેરમાં લોકો પોતાના જીવનભરની કમાણી લગાવીને ફ્લેટ ખરીદતા હોય છે. જેમા લીઝ પુરી થઈ ગયા પછી ઘરનું શું થાય છે તે વિશે જાણવું જરુરી છે.
શહેરોમાં બે પ્રકારે ઘરનું વેચાણ થતું હોય છે, લીઝ હોલ્ડ અને ફ્રીહોલ્ડ
આજે આપણે જે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે લીઝ હોલ્ડ અને ફ્રીહોલ્ડ. શહેરોમાં બે રીતે ઘરનું વેચાણ થાય છે. એક 99 વર્ષની લીઝ પર અને બીજી પરમેનેન્ટ માલિકી તરીકે. પરંતુ જો તમે 99 વર્ષના ભાડાપટ્ટે મકાન/ફ્લેટ લેવાનું વિચારી રહ્યા હોવ તો તે પહેલા તેના નિયમો જાણી લેવા જોઈએ, નહીંતર તમારે બેઘર થવાનો વારો આવી શકે છે.
બે રીતે થાય છે પ્રોપર્ટીનો સોદો
લીઝ હોલ્ડ અને ફ્રીહોલ્ડ આ પ્રકારે પ્રોપર્ટીનો સોદો થાય છે. ફ્રીહોલ્ડ એ પ્રોપર્ટી છે કે જેના પર કોઈનો અધિકાર નથી હોતો. આ પ્રોપર્ટી ખરીદનાર હમેશા પુરી પ્રોપર્ટીનો માલિક રહે છે. જેમા તેની પસંદગી પ્રમાણે તેમા ફેરફાર કરી શકે છે. જ્યારે લીઝ હોલ્ડ પ્રોપર્ટીમાં નક્કી કરેલા સમય સુધી અથવા કોઈ શરતોને આધિન પ્રોપર્ટીનો હક રહે છે. કેટલાક શહેરોમાં આ 10થી 50 વર્ષ માટે હોય છે. સામાન્ય રીતે આ 99 વર્ષના ભાડા પર ફ્લેટ આપવામાં આવતો હોય છે. આ સમય અવધિ પછી પ્રોપર્ટીના માલિક પાસે તેનો હક ગણવામાં આવે છે.
શું છે લીઝહોલ્ડ પ્રોપર્ટીનો નિયમ...
ભારતમાં સામાન્ય રીતે ફ્લેટ 99 વર્ષના ભાડા પર વેચવામાં આવે છે. એનો મતલબ એ થયો કે ખરીદનાર માત્ર 99 વર્ષ માટે તેનો હક રહેશે. 99 વર્ષનો સમય પુરો થયા બાદ જમીન/ ફ્લેટ પરના માલિકીનો પુરો હક મૂળ માલિક પાસે જતો રહે છે. જો આ અવધિ પુરી થયા પહેલા ઈમારત પડી જાય તો જેટલી જમીન પર ફ્લેટ /ટાવરનું બાંધકામ કરવામાં આવ્યું છે. તે દરેક ફ્લેટ માલિકોને વર્તમાન સર્કલ રેટના આધારે તમામ ફ્લેટ માલિકો વચ્ચે સરખાં ભાગમાં વહેચવામાં આવે છે.
શું લીઝ હોલ્ડ પ્રોપર્ટી વેચી શકાય છે ?
તેનો જવાબ છે ના.. 99 વર્ષના લીઝ પર ખરીદેલી પ્રોપર્ટી ક્યારેય વેચી શકતો નથી. જો કોઈ વ્યક્તિ તેને વેચવા ઈચ્છે તો પણ વેચી શકતો નથી. તેની પાસે બચેલા સમયગાળા સુધી માત્ર ટ્રાન્સફર કરવાનો અધિકાર હોય છે. અને તેના માટે પણ તેને ઓથોરિટીની મંજુરી લેવાની હોય છે. કોઈ પણ વ્યક્તિ માત્ર ફ્રી હોલ્ડ પ્રોપર્ટીને હમેશા માટે વેચી શકે છે. તમારી પાસે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી હોય તો તમે કોઈ બિલ્ડરને લીઝ પર આપવા માંગો તો આપી શકો છો અને તેનો અધિકાર તમારી પાસે રહે છે. અને લીઝ પીરિયડ પુરો થયા પછી તે પ્રોપર્ટીનો હક તમને પરત મળી જાય છે.