કર્ણાટકમાં દસકા પહેલા દલિતો પર હિંસાના કેસમાં 98ને આજીવન કેદ
- દલિતોના ઝૂપડા સળગાવ્યા, મહિલાઓને ઢોર માર માર્યો હતો
- સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાના અનેક પ્રયાસો છતા એસસી-એસટીને તેમના અધિકારોથી વંચિત રખાય છે : જજ
- જો આરોપીઓ પર દયા રાખીને છોડી મુકાયા તો ન્યાયની મજાક ગણાશે, તેઓ મહત્તમ સજાને લાયક જ છે : કોર્ટ
બેંગલુરુ : કર્ણાટકમાં કોપ્પલ જિલ્લામાં દસકા પહેલા દલિતો પર સામૂહિક હુમલા અને તેમના ઝુપડા સહિતના ઘરોને સળગાવી દેવાની જાતિ આધારીત હિંસાની ઘટના સામે આવી હતી. આ મામલામાં કોપ્પાલ જિલ્લાની કોર્ટે ચુકાદો આપ્યો છે અને ૧૦૧ આરોપીઓને દોષિત ઠેરવીને સજા ફટકારી છે. જેમાં ૯૮ને આજીવન કેદની સજા જ્યારે બાકીનાને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે.
મારાકુમ્બી ગામમાં આવેલી એસલી કોલોની પર ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અન્ય જાતિના લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, દલિતોના ઘરો કે ઝુપડા સળગાવાયા હતા સાથે જ મારપિટ કરાઇ અને અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. પીડિતો મદિગા સમાજ સાથે જોડાયેલા છે. આ મામલામાં કુલ ૧૧૭ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા જેમાં હાલ સજા આપવામાં આવી તે સિવાયના અન્ય લોકો વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા છે. આ ઘટનાની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી અને અનેક દલિતો ન્યાય માટે રસ્તા પર ઉતર્યા હતા. કોપ્પાલ જિલ્લાથી બેંગલુરુ સુધી અનેક લોકોએ પદયાત્રા કરી હતી. એક સ્થાનિક દલિત નેતા વીરેશ મારુકુમ્બી કે જેણે આ સમગ્ર આંદોલનની આગેવાની લીધી હતી તેની બાદમાં હત્યા કરી દેવામાં આવી હતી.
કોપ્પલ જિલ્લો જાતિ આધારીત હિંસા અને અપરાધ માટે જાણીતો છે. આ એજ જિલ્લો છે કે જ્યાં એક ત્રણ વર્ષના બાળકે મંદિરમાં પ્રવેશ કર્યો તો તેના પિતાને ૨૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. દલિતો પર અત્યાચારના આ મામલામાં ચુકાદો આપતા જજ સી ચંદ્ર શેખરે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આ કોઇ સામાન્ય ટોળા દ્વારા કરાયેલા હુમલાની ઘટના નહોતી પરંતુ જાતિ આધારીત હિંસાનો મામલો છે. જજે ચુકાદો આપતા આફ્રિકન અમેરિકન કોંટરાલ્ટો મેરિઅન એન્ડર્સનને યાદ કર્યા હતા કે જેઓ મ્યૂઝિક અને ઓપેરામાં તમામ અવરોધોને તોડયા હતા, જજે કહ્યું હતું કે દેશ ગમે એટલો મોટો કેમ ના હોય, તેના નબળા માણસો કરતા તેને મજબૂત ના ગણી શકાય. દલિતો અને આદિવાસીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા અનેક પ્રયાસો છતા પણ તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. આ કેસમાં દયા રાખવાથી ન્યાયની મજાક થશે. મહિલાઓને પણ લાઠી ડંડાથી મારવામાં આવી, સમગ્ર પરિસ્થિતિને જોતા લાગે છે કે આરોપીઓ મહત્તમ સજાને લાયક છે. બાદમાં કોર્ટે ૯૮ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે અન્યોને પાંચ વર્ષની કેદની સજા આપી હતી.