કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ વિદેશમંત્રીનું નિધન, પદ્મ વિભૂષણથી સન્માનિત પણ થયા હતા
Congress Leader Natwar singh Died | દેશના પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રસના દિગ્ગજ નેતા નટવર સિંહનું 95 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થઇ ગયું. તે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. નટવર સિંહ એક મુખ્ય કોંગ્રેસી નેતા હતા જેમણે યુપીએના શાસનમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ હસ્તક કામ કર્યું હતું.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સંવેદના વ્યક્ત કરી
સિંહ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના વતની હતા. તેમણે અજમેરની મેયો કોલેજ અને ગ્વાલિયરની સિંધિયા કોલેજથી અભ્યાસ કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી. ભજનલાલ શર્માએ એક્સ પર પોસ્ટ કરી હતી કે ભારત સરકારમાં પૂર્વ વિદેશમંત્રી, પદ્મ વિભૂષણથી સન્માનિત નટવર સિંહના નિધન અંત્યત દુઃખદ છે. ભગવાનથી પ્રાર્થના છે કે દિવંગત આત્માને ચરણોમાં સ્થાન અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે.
કોણ હતા કુંવર નટવર સિંહ
કુંવર નટવર સિંહ મે 2004થી ડિસેમ્બર 2005 સુધી વિદેશ મંત્રી પદે કામ કરી ચૂક્યા હતા. તેમને 1953 માં ભારતીય વિદેશ સેવા માટે પસંદ કરાયા હતા. 1984 માં તેમણે કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે ચૂંટણી લડવા રાજીનામુ આપી દીધું હતું. ચૂંટણી જીત્યા અને 1989 સુધી કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે કામ કર્યું. તેના પછી 2004 માં ભારતના વિદેશ મંત્રી બનવા સુધીમાં તેમની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા. 1984માં ભારત સરકારે તેમને ભારતના ત્રીજા સૌથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.