રાજસ્થાન કોંગ્રેસમાં 92 ધારાસભ્યોના રાજીનામા, ગેહલોતે કહ્યું- મારા હાથમાં કશું નથી
- રાજીનામુ આપનારા ધારાસભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી બાદ ધારાસભ્ય દળની બેઠક યોજવા અને 2020ના સંકટ વખતે સરકારને બચાવવામાં સહયોગ આપનારાને મુખ્યમંત્રી બનાવવાની શરતો રાખી
જયપુર, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર
નવા રાષ્ટ્રીય અધ્યક્ષ શોધી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે રાજસ્થાનના મુખ્યમંત્રી નક્કી કરવા અઘરા થઈ પડ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોત અને સચિન પાયલટના જૂથ વચ્ચે ભારે રસાકસી જામી છે. આ બધા વચ્ચે ગેહલોતના સમર્થક એવા 92 જેટલા ધારાસભ્યોએ રવિવારે રાજીનામુ ધરી દીધું છે. આ બધી રાજકીય ઘમાસાણના કારણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ભારે નારાજ છે. કોંગ્રેસી નેતા અજય માકનના કહેવા પ્રમાણે તેમને ધારાસભ્યો સાથે વાતચીત કરવા આદેશ આપવામાં આવેલો છે. માકન સાથે આવેલા અન્ય સુપરવાઈઝર મલ્લિકાર્જુન ખડગે પણ ધારાસભ્યો સાથે વાતચીત કરશે.
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે રવિવારે સાંજે 7:00 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની હતી. જોકે તે બેઠક પહેલા જ ગેહલોતના વફાદાર ગણાતા ધારાસભ્યો સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલના બંગલે એકઠા થવા લાગ્યા હતા. તેઓ ત્યાંથી રાતે 8:30 કલાકે વિધાનસભા અધ્યક્ષ ડો. જોશીના આવાસ ખાતે પહોંચ્યા હતા અને અડધી રાત સુધી ત્યાં રોકાઈ રહ્યા હતા.
ગેહલોત જૂથની શરતો
ગેહલોતના વફાદાર ધારાસભ્યોએ શરતો રાખી છે. પહેલું તો મુખ્યમંત્રી પદનું ઉત્તરાધિકારી એવું કોઈ હોવું જોઈએ જેણે 2020ના રાજકીય સંકટ વચ્ચે સરકારને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય, એવું કોઈ નહીં જે સરકારને પાડી દેવાના પ્રયત્નમાં સામેલ હોય. બીજું કે, તેઓ ત્યાં સુધી ધારાસભ્ય દળની બેઠક નથી ઈચ્છતા જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદ ન ચૂંટાઈ જાય. મતલબ કે, 19મી ઓક્ટોબર સુધી. ત્રીજું અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે.
સીપી જોશીને મુખ્યમંત્રી બનાવવા માગણી
રાજીનામુ આપનારા ધારાસભ્યોએ મુખ્યમંત્રીની પસંદગીમાં તેમનો મત અવગણવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રતાપ સિંહ ખાચરિયાવાસે 10-15 ધારાસભ્યો (પાયલટના સમર્થકો)ની સુનાવણી થઈ રહી છે અને અન્ય ધારાસભ્યો (ગેહલોત જૂથના)ની અવગણના થઈ રહી છે તેવો આક્ષેપ કર્યો છે. નારાજ ધારાસભ્યોએ સ્પીકર સીપી જોશીને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી છે.
ગેહલોતે કહ્યું- મારા હાથમાં કશું નથી
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ફોનમાં વાતચીત કરી હતી અને ધારાસભ્યો નારાજ હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોતાના હાથમાં કશું ન હોવાનું જણાવ્યું હતું. ગેહલોતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ સાથે ફોનમાં વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના હાથમાં કશું નથી, ધારાસભ્યો નારાજ છે તેમ કહ્યું હતું.
રાજસ્થાનની 200 સદસ્યો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસના 107 ધારાસભ્યો છે. પાર્ટીને 13 જેટલા અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ પ્રાપ્ત છે.