'મને બચાવો નહીંતર...', ભારતના આ ગામમાં 900 વર્ષ જૂની મૂર્તિઓ મળી, ચેતવણી વાંચી લોકો ભયભીત
Karnataka, Lakkundi : કર્ણાટકના ગડગ જિલ્લામાં આવેલું લક્કુંડી ગામમાં અનેક ઐતિહાસિક અને પુરાતત્ત્વો સ્થળો આવેલા છે. હાલમાં ખોદકામ દરમિયાન એક પુરાતત્ત્વવિદ્ ખાડામાં ઉતર્યા અને તેમને 12મી સદીની 8 ફૂટ ઊંચી પથ્થરની તકતી મળી હતી જેના પર કોતરણી કરીને કંઈક લખેલું હતું. તેમાં ચેતવણી લખી હતી કે, 'મને બચાવો અથવા તો ક્રોધનો સામનો કરો.' જેને લઈને ગામના લોકો ભયભીત થઈ ગયા હતા. આ ખોદકામ 22 નવેમ્બરથી રાજ્ય પુરાતત્ત્વ, સંગ્રહાલયો અને હેરિટેજ વિભાગના 'અવશેષ-શોધ ઓપરેશન' દરમિયાન કરવામાં આવ્યું હતું.
અહીંથી સોનાની ટંકશાળ હતી
લક્કુંડીનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. અહીંયા 900 વર્ષ જૂના મંદિરો, પગથિયા, મૂર્તિઓ અને ખંડેર આવેલા છે. લક્કુંડીમાં ચાલુક્ય રાજાના સમયમાં સોનાના સિક્કા માટે ટંકશાળ આવેલી હતી. આ પથ્થરની તકતી પરનું લખાણ ખંડિત છે. સંદર્ભ સ્પષ્ટ રીતે જાણી શકાયો નથી. એટલું સમજી શકાયું છે કે, 'તકતી સાચવવાથી આશીર્વાદ મળે છે અને તેને ન બચાવવાથી વિનાશ થઈ શકે છે.'
લક્કુંડીમાં મળી અનેક પ્રાચીન કલાકૃતિઓ
લક્કુંડીમાં પાંચ ઐતિહાસિક મંદિરોની પણ ઓળખ કરવામાં આવી હતી. જેને હવે ઘરોમાં ફેરવવામાં આવ્યા હતા. લગભગ 300 સિક્કા અને 900 કલાકૃતિઓ પણ મળી આવી છે. 11મી અને 12મી સદીના સ્તંભોનો ઉપયોગ કરીને આ કલાકૃતિઓ માટે એક સંગ્રહાલય બનાવવા અને મંદિરોનું પુનઃનિર્માણ કરવાની યોજનાઓ પણ ચાલી રહી છે.