દિલ્હીની અનેક હોસ્પિટલો ભગવાન ભરોસે, ફાયર NOC નથી, તપાસમાં ચોંકાવનારો ખુલાસો
Image : IANS |
Delhi Hospital Fire: રાજકોટ જેવી જ ઘટના દિલ્હીમાં પણ બની હતી. જેમાં વિવેક વિહારમાં ગેરકાયદેસર રીતે ચાલતી બેબી કેર ન્યુ બોર્ન હોસ્પિટલમાં આગને કારણે નવજાત બાળકોના મોત થયા હતા. ત્યારે હવે તપાસ કરતા માલૂમ પડ્યું છે કે રાજધાનીની અનેક હસ્પિટલો પાસે દિલ્હી ફાયર સર્વિસનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નથી.
દિલ્હીમાં ચોંકવાનારી વાત સામે આવી હતી
દેશની રાજધાની દિલ્હીમાં વિવેક વિહારની બેબી કેર ન્યુ બોર્ન હોસ્પિટલમાં આગમાં સાત નવજાત બાળકોના મૃત્યુ પછી, જ્યારે NOCના સર્ટિફિકેટના રેકોર્ડની તપાસ કરવામાં આવી તો ચોંકવાનારી વાત સામે આવી હતી. હાલમાં દિલ્હી સરકારના આરોગ્ય વિભાગમાં 1038 નાની-મોટી હોસ્પિટલો નોંધાયેલી છે. આ સિવાય રાજધાનીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારની 50 કરતા પણ વધુ હોસ્પિટલો છે. અંદાજે ખાનગી અને સરકારી હોસ્પિટલોનો આંકડો 1100 આસપાસ છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે 'હાલમાં DFS પાસે માત્ર 197 હોસ્પિટલો માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે.'
આવી હોસ્પિટલોને NOCની જરૂર પડે છે
આ ઉપરાંત અતુલ ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે 'દિલ્હી ફાયર સર્વિસ એક્ટ મુજબ, જે હોસ્પિટલોની બિલ્ડીંગ નવ મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવે છે તેમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની જરૂર પડે છે. હોસ્પિટલો NOC માટે અરજી કરે છે. આ પછી, તમામ નિયમો તપાસ્યા બાદ ત્રણ વર્ષ માટે એનઓસી આપવામાં આવે છે. તેનો સમયગાળો પૂરો થયા પછી, વ્યક્તિએ ફરીથી એ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો રી-ચેક દરમિયાન ફાયર સાધનો અથવા સિસ્ટમમાં ખામીઓ જોવા મળે છે, તો તેમને સમારકામ કરવા માટે કહેવામાં આવે છે. જ્યારે બધું બરાબર હોય છે, ત્યારે NOC આપવામાં આવે છે.'
દિલ્હી ફાયર સર્વિસે MCDને પત્ર લખ્યો હતો
દિલ્હી ફાયર સર્વિસે સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવેક વિહારમાં જ્યાં આગ લાગી હતી તે હોસ્પિટલની ઊંચાઈ જાણવા માટે પત્ર લખ્યો છે. હકીકતમાં, હોસ્પિટલ પ્રશાસને દાવો કર્યો છે કે તેમની હોસ્પિટલ ફાયર એનઓસીના દાયરામાં આવતી નથી. અકસ્માત બાદ પોલીસે હોસ્પિટલની ચોક્કસ ઊંચાઈ જાણવા માટે મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. DFSના ડાયરેક્ટરે કહ્યું હતું કે 'જો હોસ્પિટલની ઉંચાઈ નવ મીટર કે તેથી વધુ હોવાનું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.'