નવી લોકસભામાં 90 ટકા સાંસદ કરોડપતિ, 225 સામે ક્રિમિનલ કેસ, જાણો કોની પાસે સૌથી વધુ સંપત્તિ
Lok Sabha Elections Result 2024: દેશમાં લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 240 બેઠક મેળવીને ભાજપ બહુમતથી દૂર થઈ રહી. જયારે કોંગ્રેસને 99 બેઠક મળી છે. 543 સાંસદોમાંથી 90 ટકાથી વધુ કરોડપતિ છે, તેમાંથી બે સૌથી ધનિક સાંસદોની સંપત્તિ ચોંકાવનારી છે. એવામાં જાણીએ કે સૌથી યુવા સાંસદ કોણ છે અને તેના વિરુદ્ધ કેટલા ગુનાઇત કેસ નોંધાયેલા છે.
આ લોકસભાની ચૂંટણીમાં 8 હજારથી વધુ ઉમેદવારોએ અજમાવ્યું નસીબ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ, 40 ટકાથી વધુ આઉટગોઇંગ સાંસદો સામે ફોજદારી કેસ છે. 225 ચૂંટાયેલા સાંસદો સામે કેસ નોંધાયેલા છે, જેમાંથી 149 વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 8 હજારથી વધુ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, જેમાંથી 1600થી વધુ ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
સૌથી અમીર સાંસદ
છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર સૌથી અમીર ઉમેદવાર જીતવામાં સફળ રહ્યો હતો. ચૂંટણી જીતનારા 90 ટકાથી વધુ સાંસદો કરોડપતિ છે. આંધ્રપ્રદેશના ગુંટુરથી ટીડીપીના ઉમેદવાર ડૉ. ચંદ્રશેખર પોમા સામી જીત્યા છે. તેમની કુલ સંપત્તિ 5705 કરોડ રૂપિયા છે. બીજા ક્રમે 4568 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક કોંડા વિશ્વેશ્વર રેડ્ડી છે, જેઓ તેલંગાણાની ચેવેલ્લા બેઠકથી સાંસદ બન્યા છે.
સૌથી નાની ઉંમરના સાંસદ
વર્ષ 1952માં ચૂંટાયેલા સાંસદોની સરેરાશ ઉંમર 46.5 વર્ષ હતી. આ પછી સાંસદોની સરેરાશ ઉંમર વધતી ગઈ અને વર્ષ 2014માં તે 57.9 વર્ષ થઈ ગઈ. જયારે 2019માં સાંસદોની સરેરાશ ઉંમર 57.9 અને 2024માં 56.6 છે. મછલીશહરના સપાના પ્રિયા સરોજ અને કૌશામ્બીથી પુષ્પેન્દ્ર સરોજ સૌથી નાની ઉંમરના સાંસદ છે. બંનેની ઉંમર 25 વર્ષની આસપાસ છે.