એક દેશ એક ચૂંટણીના સમર્થનમાં કેટલાં લોકો? કોવિંદ સમિતિને મળેલા સૂચનોમાં જાહેર થયો આંકડો
કોંગ્રેસ અને તૃણમૂલ સહિત તમામ વિપક્ષી દળોએ એક દેશ એક ચૂંટણી લાગુ કરવાના વિચારનો વિરોધ કર્યો છે
One Nation One Election: 'એક દેશ એક ચૂંટણી' પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિને લોકો પાસેથી લગભગ 20 હજારથી વધુ સૂચનો મળ્યા છે. તેમાંથી 81 ટકા લોકો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવાના વિચાર સાથે સહમત થયા છે. આ સમિતિએ 46 રાજકીય પક્ષો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17 રાજકીય પક્ષો તરફથી સૂચનો પ્રાપ્ત થયા છે.
પાંચમી જાન્યુઆરીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ દેશમાં એકસાથે ચૂંટણી યોજવા માટે વર્તમાન કાયદાકીય-વહીવટી માળખામાં યોગ્ય ફેરફારો કરવા નાગરિકો પાસેથી સૂચનો આમંત્રિત કરી જાહેર નોટિસ બહાર પાડી હતી.
અહેવાલ અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં રચાયેલી સમિતિએ ગઈકાલે તેની ત્રીજી બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યસભાના પૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ, 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે સિંહ, પૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ સી કશ્યપ અને પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી પણ હાજર રહ્યા હતા અને આ સમિતિએ ચૂંટણી પંચના સૂચનોની પણ નોંધ લીધી હતી. બેઠક બાદ સમિતિએ જણાવ્યું હતું કે,'કુલ 20,972 લોકોના સૂચનો મળ્યા હતા, જેમાંથી 81 ટકાએ એક દેશ એક ચૂંટણીના સમર્થનમાં છે.'