છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં આઠ નક્સલી ઠાર : એક જવાન શહીદ, બે ઘાયલ
- સપ્તાહમાં નક્સલ વિરોધી બીજુ મોટુ ઓપરેશન સફળ
- એપ્રિલમાં 39, મેમાં 12 અને આ મહિને કુલ 14 નક્સલીઓ માર્યા ગયા, અનેક જવાનો પણ ઘાયલ થયા
રાયપુર : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં આઠ નક્સલીઓ માર્યા ગયા હતા. સાથે જ એક એસટીએફ જવાન પણ શહીદ થયો હતો અને બે ઘાયલ થયા હતા. અભુજમાદ જંગલ વિસ્તારમાં ઓપરેશન દરમિયાન નક્સલીઓ-જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો.
નક્સલીઓ સામે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી), એસટીએફ અને આઇટીબીપીની ૫૩મી બટેલિયન તેમજ બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત રીતે કુટુલ, ફાસેબેડા અને કોડતામેતા ગામોમાં ૧૨ જૂનના રોજ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા જવાનો લાંબા સમયથી નક્સલીઓને શોધી રહ્યા હતા. એવા સમયે જ નક્સલીઓએ બાદમાં બહાર નીકળીને સુરક્ષાદળો પર ગોળીબાર કરી દીધો હતો.
સામસામે કલાકો સુધી ભારે ગોળીબાર થયો હતો.
જોકે નક્સલીઓ તરફથી બાદમાં ગોળીબાર બંધ થઇ ગયો હતો. તેથી તપાસ કરાતા આઠ નક્સલીઓના મૃતદેહો મળી આવ્યા હતા. સાથે જ ઇન્સેસ રાઇફલ, .૩૦૩ રાઇફલ, ગ્રેનેડ લોન્ચર અને અન્ય હથિયારો તેમજ માઓવાદી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન એસટીએફનો એક જવાન પણ શહીદ થયો હતો અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ જ મહિનામાં પાંચ તારીખે નારાયણપુરમાં છ નક્સલીઓને ઠાર કરાયા હતા. તેથી સપ્તાહમાં આ બીજુ ઓપરેશન છે. ૧૦ મેના રોજ ૧૨ નક્સલીઓ જ્યારે ૩૦મી એપ્રીલના ૧૦ નક્સલીઓ અને ૧૬મી એપ્રીલના ૨૯ નક્સલીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.