48 કલાકમાં 8 હાથીના મોતથી હડકંપ, મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કની ઘટનાથી તંત્રમાં દોડધામ
Bandhavgarh National Park: મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્કમાં 48 કલાકમાં 8 હાથીઓના મોતથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે ચાર હાથીઓના શંકાસ્પદ મોત બાદ બુધવારે પણ ચાર હાથીઓના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રની સાથે ભોપાલની તપાસ ટીમના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કાં તો આ હાથીઓએ ભૂલથી કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો છે અથવા તો તેમને ઝેરી પદાર્થ ખવડાવવામાં આવ્યો છે. મૃત હાથીઓમાં એક નર અને 7 માદા છે.
સાલખાણીયા વિસ્તારમાં 13 હાથીઓનું ટોળું આવ્યું હતું
માહિતી અનુસાર બાંધવગઢ ટાઈગર રિઝર્વના પટ્ટોર રેન્જના ખતૌલી અને સાલખાણીયા વિસ્તારમાં 13 હાથીઓ ફરતા હતા, પરંતુ મંગળવારે તેમાંથી ચારના શંકાસ્પદ મોત થયા હતા જ્યારે પાંચની તબિયત ગંભીર જણાવાઈ હતી, જેમાંથી બુધવારે પણ ચાર હાથીઓના મોત થયા હતા. આ તમામ હાથીઓ 200 મીટરના વિસ્તારમાં બેભાન દેખાયા હતા, ત્યારબાદ જબલપુર, ઉમરિયા અને કટ્ટી સહિત બાંધવગઢ ટાઈગર રિઝર્વના બેટરી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા તેમ છતાં ચાર હાથીઓના જીવ બચાવી શકાયા ન હતા. બે અધિકારીઓની ટીમ બાકીના હાથીઓ પર નજર રાખી રહી છે.
પોસ્ટમોર્ટમમાં શું જાણવા મળ્યું?
8 ડોક્ટરોની ટીમ દ્વારા મૃત હાથીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ અને પ્રાથમિક તપાસમાં ઝેરી ખુરાની અથવા કોડો કુટકી જેવા ફળો સાથે ઝેર આપવાથી મૃત્યુ થયું હોવાની પણ ડૉક્ટરોએ શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ ઝેર જાણી જોઈને આપવામાં આવ્યું હતું કે પછી પાકમાં જંતુનાશક દવાના કારણે આ હાથીઓના મોત થયા છે તે મુદ્દે પણ તપાસનો વિષય કેન્દ્રિત થયો છે.
વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ SITની રચના કરી
ઘટનાની ગંભીરતાને જોતા મામલો કેન્દ્ર સુધી પહોંચ્યો, ત્યારબાદ કેન્દ્ર સરકારે સંજ્ઞાન લીધું અને ભોપાલ STF સિવાય વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ પણ પોતાની SIT ટીમની રચના કરી છે. આ કેસમાં નિયુક્ત STFએ આસપાસના ખેતરો અને સાત ઘરોમાં તલાશી લીધી હતી. આ ઉપરાંત તપાસ ટીમ 5 કિલોમીટરની ત્રિજ્યામાં શિકાર અને ઝેર સહિતના વિવિધ સ્થળોએ પણ તપાસ કરી રહી છે.