Get The App

મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને ભરખી ગયો કાળ, જયપુરમાં રોડ અકસ્માતમાં આઠ લોકોના કરુણ મોત

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને ભરખી ગયો કાળ, જયપુરમાં રોડ અકસ્માતમાં આઠ લોકોના કરુણ મોત 1 - image


Rajasthan Accident News: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 8 લોકોના કરુણ મોત થયા છે. આ તમામ લોકો જયપુરથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર, જયપુરના દૂદૂમાં દુર્ઘટના બની છે. ઘટનાની માહિતી મળતાં જ મોખમપુરા પોલીસ સ્ટેશનના કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરુ કર્યું. 

દૂદૂના મોખમપુરામાં ગુરુવાર (6 ફેબ્રુઆરી) બપોરે 3:45 વાગ્યે નેશનલ હાઇવે 48 પર કાર અને ખાનગી બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જણાવાઈ રહ્યું છે કે, બસનું ટાયર ફાટતાં તે બેકાબુ થઈને ડિવાઇડર કૂદીને બીજી તરફ પહોંચી ગઈ હતી. આ દરમિયાન બસ અને કાર વચ્ચે ટક્કર થઈ. જે દુર્ઘટનામાં કારમાં સવાર 8 લોકોના મોત થયા, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ, તમામ મૃતકોના મૃતદેહ દૂદૂ હૉસ્પિટલમાં રખાયા છે.

મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને ભરખી ગયો કાળ, જયપુરમાં રોડ અકસ્માતમાં આઠ લોકોના કરુણ મોત 2 - image

કારના બે ટુકડા થઈ ગયા

ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મૃતકોની ઓળખ શરુ કરી છે અને તેમના પરિવારજનોને આ ઘટનાની માહિતી આપી દેવાઈ છે. તો બીજી તરફ દુર્ઘટનાના કારણે રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો. ક્રેનની મદદથી પોલીસે બસ અને ક્ષતિગ્રસ્ત કારને રસ્તા પરથી દૂર કરી અને વાહનવ્યવહાર ફરી શરુ કરાવ્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ સાથે અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા અને કચ્ચરઘાણ નીકળી ગયો.

મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને ભરખી ગયો કાળ, જયપુરમાં રોડ અકસ્માતમાં આઠ લોકોના કરુણ મોત 3 - image

કેવી રીતે બની દુર્ઘટના?

પોલીસ અધિકારી સંજય પ્રસાદ મીણાએ જણાવ્યું કે, જોધપુર રોડવેઝની બસ જયપુરથી અજમેર જઈ રહી હતી, ત્યારે અચાનક બસના ટાયરમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ ડિવાઇડર તોડી અજમેર તરફથી જયપુર આવી રહેલી ઈકો સાથે ટકરાઈ. જેમાં કારમાં સવાર 8 લોકોના મોત થઈ ગયા.

મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને ભરખી ગયો કાળ, જયપુરમાં રોડ અકસ્માતમાં આઠ લોકોના કરુણ મોત 4 - image

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

અકસ્માત સમયે હાજર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, પૂરપાટ ગતિ અને ટાયર ફાટવાના કારણે દુર્ઘટના બની. ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી. 

તમામ મૃતકો ભીલવાડાના કોટડી વિસ્તારના રહેવાસી

તમામ મૃતકો ભીલવાડાના કોટડી વિસ્તારના રહેવાસી પુરુષો છે. આ લોકો પ્રયાગરાજમાં મહાકુંભ સ્નાન કરવા જઈ રહ્યા હતા પરંતુ તે પહેલાં જ તેઓ અકસ્માતનો ભોગ બન્યા. મૃતકોની ઓળખ દિનેશ રેગર, નારાયણ, બબલુ મેવાડા, કિશન, રવિકાંત, પ્રમોદ સુથાર, બાબુ રેગર અને પ્રકાશ મેવાડા તરીકે થઈ છે. બસના મુસાફરો મોહન સિંહ, માયા નાયક અને ગુન્નુ સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


Google NewsGoogle News