કતાર સાથેની એલએનજી આયાતને 2048 સુધી લંબાવવા 78 અબજ ડોલરની સમજૂતી કરાઈ

ભારત દર વર્ષે કતાર પાસેથી 75 લાખ ટન ગેસ ખરીદશે

ભારતે હાલના ભાવથી ઓછા ભાવે આ સમજૂતી કરીને 6 અબજ ડોલર બચાવ્યા : પેટ્રોનેટ એલએનજી અને કતાર એનર્જી વચ્ચે કરાર

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કતાર સાથેની એલએનજી આયાતને 2048 સુધી લંબાવવા 78 અબજ ડોલરની સમજૂતી કરાઈ 1 - image


બેતુલ (ગોવા) : ભારતે કતાર સાથેની એલએનજી આયાતને વર્તમાન ભાવથી ઓછા ભાવે વર્ષ 2048 સુધી લંબાવવા માટે 78 અબજ ડોલરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની સૌથી મોટી લિકવીફાઇડ નેચરલ ગેસ (એલએનજી) આયાતકાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડએ એક નિવેદનમાં જણાવ્યું છે કે દર વર્ષે 75 લાખ ટન ગેસ ખરીદવા માટે કતારની કંપની કતાર એનર્જી સાથે સમજૂતી કરી છે. આ ગેસનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા, ખાતર બનાવવા અને સીએનજીમાં રૂપાંતર કરવા માટે કરવામાં આવશે.

પેટ્રોનેટ હાલમાં બે સમજૂતી હેઠળ કતાર પાસેથી વાર્ષિક 85 લાખ ટન એલએનજીની આયાત કરે છે

ઇન્ડિયા એનર્જી વિક (આઇઇડબ્લ્યુ) દરમિયાન આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ  રિન્યુ કરવામાં આવેલ સમજૂતીમાં નક્કી થયેલો ભાવ વર્તમાન ભાવ કરતા ઓછો છે. જેના કારણે ભારતને મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ 0.8 ડોલરની બચત થશે. જેના કારણે ભારતના કુલ 6 અબજ ડોલર બચશે. પેટ્રોનેટ હાલમાં બે સમજૂતી હેઠળ કતાર પાસેથી વાર્ષિક 85 લાખ ટન એલએનજીની આયાત કરે છે. પ્રથમ 25 વર્ષની સમજૂતી 2028માં સમાપ્ત થઇ રહી છે. જેને વધુ 20 વર્ષ માટે લંબાવવામાં આવી છે. 10 લાખ ટન પ્રતિ વર્ષની બીજી સમજૂતી 2015માં થઇ હતી જેના પર અલગથી મંત્રણા ચાલી રહી છે.  આજે થયેલી સમજૂતી અંગે બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી મંત્રણા ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે કતારના એનર્જી પ્રધાન અને કતાર એનર્જીના ઉચ્ચ અધિકારીઓ ઇન્ડિયા એનર્જી વિકમાં ભાગ લેવા માટે હાલમાં ભારતમાં છે. ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઉર્જા વપરાશકાર દેશ છે. ભારત સરકાર કુદરતી ગેસનો વપરાશ વધારવાનો સતત પ્રયત્નો કરી રહી છે. 

પાંચથી છ વર્ષમાં ભારતના ગેસ સેક્ટરમાં 677 અબજ ડોલરનું રોકાણ થશે : વડાપ્રધાન

દેશમાં વિભિન્ન ઉર્જા સ્ત્રોતોમાંથી ગેસની હિસ્સેદારી વધારવાના લક્ષ્યથી આગામી પાંચથી છ વર્ષમાં આ ક્ષેત્રમાં 67 અબજ ડોલરનું રોકાણ થશે તેમ વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે અહીં ભારત ઉર્જા સપ્તાહની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાથી વધારે દરથી વધી રહ્યું છે અને દેશ ટૂંક સમયમાં જ વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. તેમણે વૈશ્વિક કંપનીઓને ભારતના ઉર્જા ક્ષેત્રની વૃદ્ધિ હિસ્સો બનવાનું આમંત્રણ આપતા  જણાવ્યું હતું કે 2030 સુધીમાં દેશની રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક ૨૫.૪ કરોડ ટનથી વધીને 45 કરોડ ટન થઇ જવાની  આશા છે. તેમણે જણાવ્યું હતું કે 2024-25ના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર માટે જે 11 લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે તેમાંથી મોટો હિસ્સો ઉર્જા ક્ષેત્રમાં જશે.


Google NewsGoogle News