ભારત-ચીને સરહદેથી જવાનોને પરત લેવામાં 75 ટકા પ્રગતિ કરી : જયશંકર

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ભારત-ચીને સરહદેથી જવાનોને પરત લેવામાં 75 ટકા પ્રગતિ કરી : જયશંકર 1 - image


- ગલવાનમાં ભારતના 20 જવાનોની શહાદત બાદ સૈન્ય તૈનાતી વધી હતી

- હાલ ભારત સાથેની સરહદે સ્થિતિ સામાન્ય, લદ્દાખના ચાર વિસ્તારોમાંથી સૈનિકોને હટાવવામાં આવ્યા : ચીનનું વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીન સાથે સરહદી વિવાદોને લઇને ખાસ કરીને સૈનિકોને પરત લેવાના મામલે ૭૫ ટકા સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. જોકે બન્ને દેશોએ હજુ પણ કેટલાક કામો કરવાના બાકી છે. તેમણે કહ્યું હતું કે લદ્દાખ સરહદે ગલવાન ઘાટી સહિત ચાર વિસ્તારોમાંથી સૈનિકો પરત બોલાવવામાં પ્રગતિ જોવા મળી છે.

નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બ્રિક્સ સમ્મેલનની બેઠક વચ્ચે વાતચીત કરી હતી. જેમાં બન્ને દેશો વચ્ચે સૈનિકોને પરત બોલાવવાને લઇને જે  સફળતા જોવા મળી હતી તેને કેન્દ્રમાં રાખી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગને ચાર વર્ષથી લદ્દાખ સરહદે બન્ને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલમાં સરહદે સ્થિતિ સામાન્ય છે. બન્ને દેશોએ લદ્દાખના ચાર વિસ્તારોમાંથી સૈનિકોને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો જેમાં પ્રગતિ જોવા મળી રહી છે. 

વર્ષ ૨૦૨૦માં લદ્દાખ પાસે આવેલી ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય જવાનો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. તે સમયે જયશંકરે કહ્યું હતું કે ચીને એલએસી પાસે મોટી સંખ્યામાં જવાનોને લાવીને અનેક કરારોનો ભંગ કર્યો છે. હવે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે આપણે કેટલીક પ્રગતિ કરી છે, ખાસ કરીને સૈનિકોને પરત ખેંચવામાં બન્ને દેશો આગળ વધ્યા છે. આ અંગેની ૭૫ ટકા સમસ્યાઓનું સમાધાન થઇ ગયું છે. વિદેશ મંત્રી હાલ ૧૨થી ૧૩ સપ્ટેમ્બર એમ બે દિવસ માટે સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતે છે. અહીંયા સિક્યોરિટીની પોલિસી પર ચર્ચા દરમિયાન તેમણે આ મુદ્દે વાત કરી હતી.


Google NewsGoogle News