ફરી કોરોનાએ પકડી રફ્તાર: દેશમાં 743 નવા કેસ નોંધાયા, 7 લોકોના મોત
Image Source: Twitter
- દેશમાં JN.1 ના અત્યાર સુધીમાં કુલ 162 કેસ નોંધાયા
નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ફરી એક વખત ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં 743 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,997 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કોરોનાના કારણે 7 લોકોના મોત થઈ ગયા હતા. જેમાં કેરળથી 3, કર્ણાટકથી 2 અને તમિલનાડુ તથા છત્તીસગઠથી 1 ડેથ રિપોર્ટ થઈ છે. કોવિડ-19ના નવા વેરિયન્ટ JN.1ની એન્ટ્રી બાદથી સંક્રમણમાં ઉછાળો નોંધાયો છે. અલગ-અલગ રાજ્યોમાં તેને લઈને સતર્કતા સાથે સબંધિત નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
તાજેતરના દિવસોમાં ઠંડી અને કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે સંક્રમણના કેસોમાં વધારો થયો છે. 2020ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ 4 વર્ષમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેનાથી 5.3 લાખથી વધુ લોકોના મોત થયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.4 કરોડ થઈ ગઈ છે. નેશનલ રિકવરી રેટ 98.81% છે. દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 220.67 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
દેશમાં JN.1 ના 162 કેસ
દેશમાં JN.1 ના અત્યાર સુધીમાં કુલ 162 કેસ નોંધાયા છે. તેમાંથી કેરળમાં સૌથી વધુ 83 લોકો સંક્રમિત છે જ્યારે ગુજરાત 34 કેસ સાથે બીજા સ્થાને છે.