ચૂંટણી ફરજ બાદ CRPFના 700 જવાનોએ 48 કલાક ભૂખ્યાં રહેવું પડ્યું, વિશેષ ટ્રેનમાં ક્રૂર મજાક
CRPF Jawans remained Hungry: દેશનું સૌથી મોટું કેન્દ્રીય અર્ધલશ્કરી દળ 'CRPF', જેના કર્મચારીઓની સંખ્યા અંદાજે 3.25 લાખ છે, તે વિવિધ રાજ્યોમાં શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરે છે. આ સમયગાળા દરમિયાન સૈનિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચૂંટણી ફરજ માટે CRPFના જવાનોને મોકલવામાં આવે છે ત્યારે તેમને ઘણી વખત પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં ન આવી હોય એવા અનેક કિસ્સા જોવા મળે છે.
સ્પેશિયલ ટ્રેન જવાનો સાથે ક્રૂર મજાક
એવો જ એક કિસ્સો જમ્મુ-કાશ્મીરના સાંબાથી દોડતી સ્પેશિયલ ટ્રેન 00328માં થયો છે. જેમાં CRPFના 700 જવાનો સવાર હતા. રાયપુર જતી આ ટ્રેનમાં જવાનોને 48 કલાક સુધી ભૂખ્યાં રહેવું પડ્યું હતું. જવાનોએ બે વખતના નાસ્તાથી જ કામ ચલાવવું પડ્યું હતું. આગળના સ્ટેશન પર ભોજન મળશે એમ કહેતાં જવાનોને ખાલી પેટે મુસાફરી કરવાની ફરજ પડી હતી. જવાનોને લઈને આવતી આ સ્પેશિયલ ટ્રેન ગુરુવારે બપોરે રાયપુર પહોંચી હતી.
ટ્રેન લેટ થવાથી દિલ્હીમાં લંચ ન મળ્યું
આ સ્પેશિયલ ટ્રેન સાંબાથી ઉપાડવાની હતી. કેટલાક કારણોસર ટ્રેન સમય કરતાં મોડી પડી હતી. આથી 8 ઑક્ટોબરે સવારે 3 વાગ્યે આ ટ્રેન રાયપુર જવા રવાના થઈ હતી. ત્યારબાદ સૈનિકોને અંબાલા સ્ટેશન પર નાસ્તો આપવામાં આવ્યો હતો.
આ પછી આખો દિવસ સૈનિકોને કશું જ મળ્યું ન હતું. તેમજ સૈનિકોને કહેવામાં આવ્યું હતું કે દિલ્હી રેલવે સ્ટેશન પર લંચ આપવામાં આવશે. પરતું ટ્રેન રાત્રે 8 વાગ્યે દિલ્હી પહોંચી એવામાં લંચનો સમય તો વીતી ગયો હતો. તેમજ દિલ્હીમાં તેમને જે ભોજન આપવાનો પ્રયાસ થયો તે નબળી ગુણવત્તાનો હતો અને સૈનિકોના જણાવ્યા અનુસાર એ ભોજન સવારથી બનાવી રાખવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સૈનિકોએ ભોજન લેવાની ના પાડી દીધી હતી.
આ પણ વાંચો: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જાતિ સમીકરણો બદલાયા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
આગ્રામાં સારું ભોજન મળવાના ખોટા વાયદા
અહીં સૈનિકોનો મુદ્દો હોવાથી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સૈનિકોને સમયસર અને સારી ગુણવત્તાના ખોરાકની જરૂર છે અને જો તે તેમને નહીં મળે તો આ બાબતે ફરિયાદ કરવામાં આવશે. રેલવેએ જવાબ આપ્યો કે આ શક્ય નથી. અમે અમારા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે કે હવે તમને આગ્રામાં સારું ભોજન મળશે. તેણે ફોન નંબર પણ આપ્યો. જો કે આ નંબર પર સંપર્ક જ થઈ શક્યો ન હતો.
9 ઑક્ટોબરે મળ્યો નાસ્તો
ત્યારબાદ 9 ઑક્ટોબરે ઝાંસીમાં તેમના નાસ્તાની વ્યવસ્થા થઈ હતી. ત્યાર બાદ આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું હતું અને કટની મધ્યપ્રદેશમાં રાત્રે 12 વાગ્યે તેમના ભોજનની વ્યવસ્થા થઈ હતી.
રેલવે અધિકારીઓનો એકબીજા પર જવાબદારી નાખવાનો પ્રયાસ
સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ રેલવે એજન્સીના અધિકારી/કોન્ટ્રાક્ટર સાથે ભોજન બાબતે ચર્ચા કરવામાં આવતી ત્યારે તેઓ આ જવાબદારી એકબીજા પર નાખવાનો પ્રયાસ કરતા હતા અને આગળ ઉપરી સાથે વાત કરવાનું કહેતા હતા. તેમજ કહેતા કે ટ્રેન લેટ છે આથી હવે અમે ભોજન આપી શકીએ નહીં. ટ્રેનમાં લંચ અને ડિનર શેડ્યૂલ પર જ ઉપલબ્ધ છે.