કરોડપતિ કેબિનેટ! મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં 99% મંત્રી પૈસાદાર, 19 મંત્રી સામે ગંભીર કેસ
Modi Cabinate News | નવી કેન્દ્રીય કેબિનેટના 71 મંત્રીઓમાંથી 70 ટકા મંત્રીઓ એટલે કે 99 ટકા મંત્રી કરોડપતિ છે. તેમની સરેકાશ મિલકત 107.94 કરોડ રૂપિયા છે તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
એડીઆર જણાવ્યા અનુસાર સાત પ્રધાનોની મિલકતોનું મૂલ્ય 100 કરોડ રૂપિયાથી વધારે છે. કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન ડો. ચંદ્રશેખર પેમ્માસાની સૌથી ધનિ પ્રધાન છે. તેમણે 5705.47 કરોડ રૂપિયાની મિલકતો જાહેર કરી હતી. તેમની મિલકતોમાં 5598.65 કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને 106.82 કરોડ રૂપિયાની સ્થિર મિલકતોનો સમાવેશ થાય છે.
કોમ્યુનિકેશન પ્રધાન અને ઉત્તર પૂર્વ વિસ્તારના વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ ૪૨૪.૭૫ કરોડ રૂપિયા મિલકતો જાહેર કરી છે. તેમની મિલકતોમાં 62.57 કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને 362.17 કરોડ રૂપિયાની સ્થિર મિલકતોનો સમાવેશ થાય છે.
રેલવે, ઇન્ફરમેશન અને બ્રોડકાસ્ટિંગ, ઇલેક્ટ્રોનિક અને ઇન્ફરમેશન ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે 144.12 કરોડ રૂપિયાની મિલકતો જાહેર કરી છે. જેમાં 142.40 કરોડની ચાલુ મિલકતો અને 1.72 કરોડની સ્થિર મિલકતો સામેલ છે.
સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશમન મંત્રાલયના રાજ્ય કક્ષાના (સ્વતંત્ર પ્રભાર) રાવ ઇન્દ્રજિત સિંહની કુલ મિલકતો 121.54 કરોડ રૂપિયાની છે. જેમાં 39.31કરોડ રૂપિયાની ચાલુ મિલકતો છે અને 82.23 કરોડ રૂપિયાની સ્થિર મિલકતો છે.
વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયુશ ગોયલે 110.95 કરોડ રૂપિયાની મિલકતો જાહેર કરી છે. જેમાં 89.87 કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને 21.09 કરોડ રૂપિયાની સ્થિર મિલકતો સામેલ છે.
ત્રીજી નરેન્દ્ર મોદી સરકારના 28 પ્રધાનો સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. જે પૈકી ૧૯ સામે હત્યાનો પ્રયાસ, મહિલાઓ વિરુદ્ધના અપરાધ,ઉશ્કેરણીજનક ભાષણ સહિતના ગંભીર અપરાધોને લગતા કેસો ચાલી રહ્યાં છે.
શાન્તનુ ઠાકુર અને સુકાન્તા મજમુદાર સામે હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે. બાંદી સંજયકુમાર, ઠાકુર, મજમુદાર, સુરેશ ગોપી અને જુઅલ ઓરમ સામે મહિલાઓ વિરુદ્ધના અપરાધોને લગતા કેસો ચાલી રહ્યાં છે.
71 પૈકી 11 પ્રધાનો ધો. 12 પાસ : 57 પ્રધાનો સ્નાતક કે તેથી વધુ ભણેલા
નવી દિલ્હી : નવા મંત્રીમંડળના 71 પૈકી 11 પ્રધાનો ધોરણ 12 પાસ છે જ્યારે 57 પ્રધાનો સ્નાતક કે તેનાથી વધારે ભણેલા છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 15 ટકા પ્રધાનોની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. 80 ટકા પ્રધાનોની શૈક્ષણિક લાયકાત સ્નાતક કે તેનાથી વધારે છે. 10 પ્રધાનો પાસે કાયદા, એન્જિનિયરિંગ અને મેડિસિન સહિતની પ્રોફેશનલ ડિગ્રી છે. 26 પ્રધાનો પાસે અનુસ્નાતકની પદવી છે. સાત પ્રધાનો પીએચડી થયેલા છે. ત્રણ પ્રધાનો પાસે ડિપ્લોમા પાસ છે.