Get The App

દેશમાં 7 વર્ષમાં પેપર લીકની 70 ઘટના, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ, 1.7 કરોડ યુવાઓને અસર

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
દેશમાં 7 વર્ષમાં પેપર લીકની 70 ઘટના, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ, 1.7 કરોડ યુવાઓને અસર 1 - image


Paper Leak: હાલમાં નીટ સહિતની કેટલીક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપર લીકના આરોપો લાગી રહ્યા છે, વિદ્યાર્થીઓ અને વિપક્ષ દ્વારા આ મુદ્દે દેખાવ થઇ રહ્યા છે. જોકે પેપર લીક થવા એક મોટી સમસ્યા બનતી જાય છે. વિવિધ રિપોર્ટ મુજબ છેલ્લા સાત વર્ષમાં 15 જેટલા રાજ્યોમાં પેપર લીકના 70 જેટલા કેસો સામે આવી ચુક્યા છે. જેની અસર આશરે 1.7 કરોડ પરીક્ષાર્થીઓ પર જોવા મળી છે.    

આ રાજ્યોમાં સૌથી વધુ કેસો

પેપર લીક થવાના કેસો પર નજર કરીએ તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં આવા કેસો સૌથી વધુ જોવા મળ્યા છે. પેપર લીકનો મામલો ચૂંટણી સમયે પણ બહુ જ ચર્ચામાં રહ્યો હતો. રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા હતા, જોકે ચૂંટણી પૂર્ણ થતા જ મુદ્દો ચર્ચામાંથી ગાયબ થઇ જતો પણ જોવા મળ્યો હતો. તેથી એવી પણ શંકાઓ ઉભી થઇ રહી છે કે શું રાજનેતાઓ અને પેપર લીક માફિયાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે કે કેમ.

ગુજરાતમાં પેપર લીકની 14 જેટલી ઘટના

પેપર લીકની ઘટનાઓ માત્ર મુખ્ય ભરતી પરીક્ષા જ નહીં હાયર એજ્યુકેશનની પરીક્ષાઓ અને સ્કૂલની પરીક્ષાઓમાં પણ સામે આવી ચુકી છે. જેમ કે બિહાર બોર્ડનું ધોરણ 10નું પેપર છ વખત લીક થઇ ચુક્યું છે. પશ્ચિમ બંગાળમાં રાજ્ય બોર્ડની પરીક્ષાનું પેપર સાત વર્ષમાં 10 વખત લીક થઇ ચુક્યું છે. તામિલનાડુમાં ધોરણ 10 અને 12નું પેપર બે વર્ષ પહેલા લીક થયું હતું. રાજસ્થાનમાં વર્ષ 2015થી 2023 દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની 14 ઘટના સામે આવી ચુકી છે. ગુજરાતમાં પણ સાત વર્ષ દરમિયાન પેપર લીક થવાની 14 જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે, તેમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં વર્ષ 2017થી 2024 દરમિયાન પેપર લીક થવાની નવ ઘટના સામે આવી હતી. 

દેશમાં 7 વર્ષમાં પેપર લીકની 70 ઘટના, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ, 1.7 કરોડ યુવાઓને અસર 2 - image

Paper-Leak

Google NewsGoogle News