લોકસભા ચૂંટણીના 7 સુપરસ્ટાર લીડર, કોઇ બન્યું કિંગમેકર તો કોઈની પાર્ટીનું ધમાકેદાર પરફોર્મન્સ

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીના 7 સુપરસ્ટાર લીડર, કોઇ બન્યું કિંગમેકર તો કોઈની પાર્ટીનું ધમાકેદાર પરફોર્મન્સ 1 - image


Lok Sabha Elections Result 2024 | 2024ની લોકસભા ચૂંટણીને અભૂતપૂર્વ પ્રચાર અભિયાન અને નેતાઓની શાનદાર વ્યૂહરચના માટે યાદ કરવામાં આવશે. નિષ્ણાતો ઘણા સમયથી ઘણા નેતાઓ અને તેમની પાર્ટીઓના સારા પ્રદર્શનની અપેક્ષા રાખતા હતા. પરંતુ આ ચૂંટણીમાં એવા ઘણા નેતાઓએ સૌને ચોંકાવી દીધા, જેમને ચૂંટણી નિષ્ણાતોએ મહત્વ આપ્યું ન હતું. તો ચાલો નજર કરીએ આવા જ કેટલાક નેતાઓ પર જેઓ તેમના શાનદાર પ્રદર્શનથી આગામી લોકસભાનો માહોલ બદલવા જઈ રહ્યા છે.

1. અખિલેશ યાદવ

ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ડિમ્પલ યાદવની હાર બાદ જ્યારે જ્યારે અખિલેશ યાદવ મેદાનમાં ઉતરે છે ત્યારે તે એક મોટી જીત હાંસલ કરે છે. 2009માં ફિરોઝાબાદ લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવને પહેલીવાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાજ બબ્બરે ચૂંટણીમાં ડિમ્પલ યાદવને હરાવ્યા હતા. હારની એ જ પીડા સાથે અખિલેશ યાદવે પોતાની સાઇકલ ઉપાડી અને નીકળી પડ્યા. તે સમયે, ઉત્તર પ્રદેશમાં માયાવતીની સોશિયલ એન્જિનિયરિંગ સરકાર સત્તામાં હતી અને મુલાયમ સિંહ યાદવને દિલ્હીમાં રસ વધવા લાગ્યો હતો. 

ત્રણ વર્ષની મહેનત બાદ 2012માં યુપીની જનતાએ સમાજવાદી પાર્ટીને સત્તા સોંપી ત્યારે જ અખિલેશ યાદવ સ્વદેશ પરત ફર્યા. અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા અને તેમના દ્વારા ખાલી કરાયેલી કનૌજ સીટ પર ચૂંટણી થઈ ત્યારે એવી ગોઠવણ કરવામાં આવી કે ડિમ્પલ યાદવ બિનહરીફ જીતીને સંસદમાં પહોંચ્યા. ડિમ્પલ યાદવે 2014ની ચૂંટણી આરામથી જીતી લીધી હતી, પરંતુ 2019માં માયાવતીની બસપા સાથે ગઠબંધન હોવા છતાં તે કન્નૌજ બેઠક હારી ગયા હતા. 

10 વર્ષ પછી અખિલેશ યાદવ માટે એ તો આંચકો હતો જ પણ તેનો ઘા ડિમ્પની મેનપુરીથી જીતથી ભરાઈ ગયો અને બદલો તો ભાજપથી હવે પૂરો થયો છે. 'કરો યા મરો' - અખિલેશ યાદવે આમ જ નહોતું કહ્યું. માત્ર 2017 અને 2022માં જ નહીં, 2014 અને 2019માં માત્ર પાંચ-પાંચ સીટ મળી હતી, જેના કારણે ડિમ્પલ યાદવ બહાર થઈ ગઈ હતી. માયાવતીએ ગઠબંધન તોડ્યા પછી પણ રાહુલ ગાંધી સાથે ચૂંટણી કરાર કર્યો અને એકવાર કોંગ્રેસ સાથેનું જોડાણ નિષ્ફળ ગયું. 

કોવિડ દરમિયાન અખિલેશ યાદવ પર ઘરની બહાર પણ ન નીકળવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો. લોકસભા ચૂંટણીને લઈને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે લોકો બહુ મોડેથી જાગ્યા છે. દેશની સૌથી શક્તિશાળી પાર્ટી ભાજપ સાથે આગળ લડાઈ હતી. મોદી અને યોગી બંને એકસાથે સામસામે હતા, પરંતુ અખિલેશ યાદવ રામમંદિરના નિર્માણ અને ઉદ્ઘાટનને કારણે ભાજપની તરફેણમાં સર્જાયેલા વાતાવરણમાં પણ મજબૂત લડાઈ ડલી અને ફૈઝાબાદ એટલે કે અયોધ્યાની બેઠક પણ કબજે કરી. અખિલેશ યાદવનું પીડીએ એટલું અચૂક હથિયાર સાબિત થયું છે કે ભાજપ 33 સીટો સુધી સીમિત થઈ ગયું. 

2. ચંદ્રબાબુ નાયડુ

ચંદ્રબાબુ નાયડુનો એનડીએ સાથેનો અગાઉનો અનુભવ સારો ન હતો, પરંતુ જે રીતે સમાજવાદી પાર્ટીએ ફરીથી કોંગ્રેસ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું, તે જ રીતે ભાજપ સાથે પણ ટીડીપીનું વર્તન હતું, પરંતુ આંધ્રપ્રદેશમાં પોતાનો પગ જમાવવા માટે તેને પણ એક ટેકાની જરૂર હતી. 

2019ની લોકસભા ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુએ ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓ ચૂંટણીના પરિણામો આવે તે પહેલા રાહુલ ગાંધી અને મમતા બેનર્જીને એકસાથે બેસાડીને વિપક્ષની બેઠક યોજવા માંગતા હતા, પરંતુ TMCના નેતાએ આ અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. જેના પગલે બેઠક ન થઇ. 

જગનમોહન રેડ્ડીએ પણ નાયડુને હેરાન કરવામાં કોઈ કસર છોડી ન હતી અને તેમને જેલમાં પણ મોકલી દીધા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી, ચંદ્રબાબુ નાયડુએ રાજકીય લડાઈ શરૂ કરી, અને જગનમોહન રેડ્ડી સામે આંધ્રપ્રદેશમાં ઉભરી રહેલા અસંતોષનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો.

આજની તારીખે નાયડુના બંને હાથમાં માત્ર લાડુ જ નથી પરંતુ તેમનું માથું પણ ઘીની તપેલીમાં છે.  તેમને રાજ્યમાં સત્તા મળી છે, તેમને લોકસભાની એટલી બધી બેઠકો મળી છે કે એનડીએ તેમને છોડવા માંગતા નથી અને I.N.D.I.A. ગઠબંધન પણ સત્તામાં આવવા માટે હવે તેમને ભાવ આપવા લાગ્યો છે. ચંદ્રબાબુ નાયડુ પણ હવે કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશમાં 16 બેઠકો પર 16 બેઠક જીતવાની સાથે જગનમોહન રેડ્ડીને સત્તા પરથી હટાવવાનું પણ કામ કર્યું છે કેમ કે તેઓ વિધાનસભા ચૂંટણી પણ જીતી ગયા છે.

3. ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ ભલે અખિલેશ યાદવની જેમ 'કરો યા મરો' ન કહ્યું હોય, પરંતુ તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ભાજપ સાથેની દુશ્મનાવટને કારણે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા હતા, પરંતુ એક જ ઝાટકે બદલાની આગમાં સળગી રહેલી ભાજપે પગ નીચેથી જમીન ખેંચી લીધી. એકનાથ શિંદેના બળવાને કારણે તેઓ શિવસેના છોડી ગયા અને શિવસેનાના બે ભાગલા પડી ગયા. પાર્ટી ગઇ અને પદ પણ ગયું. 

ચૂંટણી પંચે પણ એકનાથ શિંદેને શિવસેનાના વાસ્તવિક નેતા બનાવ્યા અને ભાજપની મદદથી તેમણે એક સાથે પાર્ટી અને મુખ્યમંત્રીની ખુરશી પર કબજો જમાવ્યો. ઉદ્ધવ ઠાકરે માટે, આ ચૂંટણી તેમના રાજકીય અસ્તિત્વને બચાવવા અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેના ભાવિને સુરક્ષિત કરવાની છેલ્લી તક હતી. હવે જો તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં સત્તા પર પાછા ફરવા સક્ષમ ન હોય તો પણ ઉદ્ધવ ઠાકરેને કોઈ અફસોસ રહેશે નહીં. મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ કુલ 9 લોકસભા બેઠકો પર કબજો જમાવીને વિપક્ષની તાકાત બતાવી દીધી છે. ભાજપને 9 જ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ રહ્યો છે અને 10 બેઠકો જીતી છે. એનસીપી પાસે પણ 8 બેઠકો આવી છે.   

4. મમતા બેનરજી

મમતા બેનરજીએ ત્રણ વર્ષમાં બીજી વખત ભાજપને હરાવ્યું છે. શુભેન્દુ અધિકારી જેવા મજબૂત સાથી અને નંદીગ્રામમાંથી પોતાની સામે હાર્યા પછી પણ મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને સત્તા પર લાવ્યા અને આ વખતે એવું લાગતું હતું કે ભાજપ બંગાળમાં ટીએમસીનો સફાયો કરી નાખશે પરંતુ મમતાએ આવું થવા દીધું નહીં.

એકવાર લાગ્યું કે મમતા બેનરજીએ ઈન્ડિયા ગઠબંધનથી અંતર રાખીને સારું નથી કર્યું પરંતુ વિજય એ દરેક સવાલન જવાબ હોય છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની 29 લોકસભા બેઠકો જીતી અને ભાજપ 12 બેઠકો પર જીત્યું. આ તૃણમૂલ કોંગ્રેસ માટે બોનસ છે.

5. નીતિશ કુમાર

નીતિશ કુમાર સૌથી મોટા ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે. વધતી ઉંમર અને ઘટતી જતી લોકપ્રિયતા છતાં નીતિશ કુમારે તેમની 'પલ્ટુ' કુશળતાનો ભરપૂર ઉપયોગ કર્યો છે- અને મુખ્યમંત્રીની ખુરશી હોવા છતાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીને બદલો લીધો છે.

2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચિરાગ પાસવાનની મદદથી નીતીશ કુમારને સૌથી ઓછી સીટો પર સમેટી નાખ્યા હતા. તક જોઈને નીતિશ કુમારે ઓગસ્ટ 2022માં લાલુ યાદવ સાથે જઈને ઈન્ડિયા એલાયન્સની રચના કરી હતી, પરંતુ જ્યારે ભાજપે ના પાડી હોવા છતાં મજબૂર કરતાં ફરી તેમણે જાન્યુઆરી 2024માં એનડીએમાં જોડાઈને ખેલ પાડી દીધો. 

ચંદ્રાબાબુ નાયડુ અને મમતા બેનરજીની જેમ નીતિશ કુમાર પણ બિહારમાં ભાજપની બરાબર 12 બેઠકો પર જીતીને મજબૂત કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. અને એવી સ્થિતિ પ્રાપ્ત કરી છે કે તેઓ બંને બાજુએ મજબૂત સોદાબાજી કરવાની સ્થિતિમાં છે.

6. ચંદ્રશેખર આઝાદ

2022માં વિધાનસભામાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલા ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદને સંસદમાં સીધો પ્રવેશ મળ્યો છે. જ્યારે ચંદ્રશેખર આઝાદ સહારનપુર હિંસા માટે જેલ ગયા બાદ અને ગેંગસ્ટર એક્ટની કાર્યવાહીમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે માયાવતીને બુઆ કહીને સંબોધન કર્યું હતું, પરંતુ બસપાના નેતાએ આ સંબંધને સીધો જ ફગાવી દીધો હતો કે તે કોઈની બુઆ નથી અને તે પછી તેઓ તેમના દલિત સમર્થકોને ચેતવણી આપતા રહ્યા કે ચંદ્રશેખર જેવા લોકોની જાળમાં ફસાવાની જરૂર નથી.

સંઘર્ષ દરમિયાન, ક્યારેક તેમને પ્રિયંકા ગાંધી પાસેથી સહાનુભૂતિ મળી તો ક્યારેક અખિલેશ યાદવ વાત કરવા માટે રાજી થયા, પરંતુ કોઈએ તેમની માંગ પૂરી કરી નહીં. 2019 માં, ચંદ્રશેખરે વડાપ્રધાન મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવાની વાત કરી હતી, પરંતુ મોટરસાઇકલ રેલી યોજીને પરત ફર્યા હતા. 2022માં તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે પણ ચૂંટણી લડ્યા હતા. 

યુપીમાં પેટાચૂંટણી દરમિયાન તેઓ આરએલડી નેતા જયંત ચૌધરી સાથે અટવાઈ ગયા અને રાજસ્થાનમાં પણ તેમની સાથે જમીન શોધતા રહ્યા - જયંત ચૌધરીનું બીજેપીમાં જવું ચંદ્રશેખર માટે ઘણું સારું હતું. તેમને કેન્દ્ર સરકાર તરફથી રક્ષણ મળ્યું એટલું જ નહીં, એવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી કે જેનાથી તેમના માટે નગીના લોકસભા બેઠક પર લડવાનો માર્ગ મોકળો થયો અને તેઓ લગભગ 1.5 લાખ મતોના માર્જિનથી જીત્યા.

7. પ્રિયંકા ગાંધી વાડ્રા

એક તો રાહુલ ગાંધીએ પણ લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા તેમનાથી બે ડગલાં આગળ દેખાઈ રહ્યાં છે. અલબત્ત, રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકથી ચૂંટણી જીત્યા છે, પરંતુ અમેઠીનો બદલો પ્રિયંકા ગાંધીએ જ લીધો છે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલા, પ્રિયંકા ગાંધીને ઔપચારિક રીતે કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ 2022ની યુપી ચૂંટણીમાં પણ કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તે હારી ગયા હતા. કોંગ્રેસને રાયબરેલી સીટ બચાવવા અને અમેઠીને પુનઃપ્રાપ્ત કરવાનો શ્રેય પ્રિયંકા ગાંધીને મળશે અને આ તેમને લોકસભા ચૂંટણી 2024માં સ્ટાર પરફોર્મર બનાવે છે.

લોકસભા ચૂંટણીના 7 સુપરસ્ટાર લીડર, કોઇ બન્યું કિંગમેકર તો કોઈની પાર્ટીનું ધમાકેદાર પરફોર્મન્સ 2 - image



Google NewsGoogle News