મતદારોના હિજાબ ઉતારાવી આઇડી ચેક કરવા બદલ 7 પોલીસકર્મી સસ્પેન્ડ
- યુપીમાં અખિલેશની ફરિયાદ પર ચૂંટણી પંચની કાર્યવાહી
- એસએચઓ બંદુક દેખાડી ધમકાવી લોકોને મતદાન કરતા અટકાવી રહ્યા છે, સસ્પેન્ડ કરો : અખિલેશ યાદવ
- મીરાપુરમાં મતદાન સમયે જૂથ અથડામણ, પોલીસે બળપ્રયોગ કરી ટોળાને ભગાડયું, હાલ શાંતિ હોવાનો દાવો
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની નવ બેઠકો પર પેટા ચૂંટણીને લઇને સત્તાધારી ભાજપ અને વિરોધી પક્ષ સમાજવાદી પાર્ટી વચ્ચે આક્ષેપોનું પ્રમાણ વધી રહ્યું છે. સમાજવાદી પાર્ટીની એક ફરિયાદના આધારે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે અને મતદારોના મતદાર કાર્ડ ચેક કરવાના આરોપો બદલ સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ કોઇ પણ મતદારનું વોટર આઇડી કાર્ડ ચેક નહીં કરવા પોલીસને આદેશ આપ્યો હતો.
કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં મહિલાઓને પોલીસ હિજાબ હટાવવા કહી રહી છે અને તેમના ચહેરા પણ તપાસી રહી છે. આ દરમિયાન જ તેમના વોટરઆઇડી પણ તપાસાઇ રહ્યા હતા. ચૂંટણી પંચે અગાઉ જ પોલીસને કોઇના વોટર આઇડી ચેક નહીં કરવા તેમજ હિજાબ નહી હટાવવા કહ્યું હોવા છતા આવુ કરાતા અંતે આરોપી પોલીસકર્મીઓ સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી. સમાજવાદી પાર્ટી તરફથી મળેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા જ્યારે અન્ય કેટલાકને ચૂંટણીની કામગીરીમાંથી હટાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન ના કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પેટા ચૂંટણીમાં મતદાન દરમિયાન કેટલાક સ્થળે હિંસાની ઘટનાઓ સામે આવી હતી, યુપીના મીરાપુર વિધાનસભાના કાકરોલી ગામમાં બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થરમારો થયો હતો. જેને પગલે પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક એસએસપી અભિષેક સિંઘે કહ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબુમાં લેવાઇ છે. આ વિસ્તારના એઆઇએમઆઇએમના ઉમેદવાર મોહમ્મદ અર્શદે દાવો કર્યો હતો કે કાકરોલી વિસ્તારમાં મતદાન બહુ ઓછુ થયું છે. પોલીસ લોકોને મતદાન કરવા ઘરોની બહાર નીકળતા અટકાવી રહી છે. દરમિયાન સપાના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે મીરાપુરના કકરૌલી પોલીસ સ્ટેશનના એસએચઓ લોકોને બંદુક દેખાડી ધમકાવી મતદાન કરતા અટકાવી રહ્યા છે. તેમને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવે. ભાજપ હારના ડરને કારણે મતદાન સમયે ગડબડ કરાવી રહી છે.