પાકિસ્તાની જેલમાં 17 મહિનામાં 7 ભારતીય માછીમારોના મોત, કુલ 209 લોકો કેદ, સામે આવ્યો રિપોર્ટ
Indian Fishermen Died In Pakistani Jails : ગત વર્ષે 2023માં મે મહિનાથી અત્યાર સુધીમાં પાકિસ્તાનની જેલમાં સાત ભારતીય માછીમારોના મોત થયાં છે, તેમના મૃત્યુનું કારણ હૃદયથંભી જવુ અને હાઈ બ્લડ પ્રેશર હોવાનું સામે આવ્યું. જેમાંથી એકનું મોત ત્રણ દિવસ પહેલા થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હાલમાં પાકિસ્તાની જેલમાં કુલ 209 ભારતીય માછીમારો છે.
181 માછીમારોએ છ મહિનાની સજા ભોગવી
મળતી માહિતી પ્રમાણે, આ પહેલા 181 માછીમારો છ મહિનાની સજા ભોગવી ચૂંક્યા છે અને ભારતે તેની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી છે. તેમને ભારત પાછા મોકલવા માટેની રાહ જોવાઈ રહી છે. જેમાંથી કેટલાક તો 2021માં પાકિસ્તાનની કસ્ટડીમાં છે.
થોડા દિવસ પહેલા થયું એક માછીમારનું મોત
મીડિયા અહેવાલ મુજબ, 28 માછીમારો માટે પાકિસ્તાન તરફથી હજુ પણ કોન્સ્યુલર એક્સેસની રાહ જોવાઈ રહી છે. ભારતીય માછીમારના મોતનો તાજો કિસ્સો 25 ઑક્ટોબરે સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેની ઓળખ હરિ તરીકે થઈ છે. જો કે, હજુ તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. સૂત્રોએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં પણ સેરાશ નામના અન્ય એક ભારતીયનું પાકિસ્તાનની જેલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે, સેરાશનો મૃતદેહ 11 ઑક્ટોબરે ભારત મોકલવામાં આવ્યો હતો, જ્યારે હરિનો મૃતદેહ મોકલવાનો બાકી છે.
જુલાઈમાં, ભારતે પાકિસ્તાની કસ્ટડીમાંથી નાગરિક કેદીઓ, માછીમારો અને નૌકાઓ તેમજ ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓને વહેલા મુક્ત કરવા અને પરત મોકલવા આહ્વાન કર્યું. વિદેશ મંત્રાલય (MEA)એ પાકિસ્તાનને જેમની સજા પૂર્ણ થઈ ગઈ છે તેવા ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને મુક્ત કરવા અને તેમના વતન પરત લાવવા માટે કહ્યું.