નેપાળમાં 7.1નો ધરતીકંપ : કાઠમંડુથી 150 કિ.મી.પૂર્વમાં થયેલા આ ધરતીકંપથી બિહાર, દિલ્હી અને NCR ધ્રુજ્યા
- ભારતની રાહત ટુકડીઓ નેપાળ રવાના
- તિબેટમાં પણ 6.8નો આંચકો, અનેક મકાનો ધરાશાયી, 35નાં મૃત્યુ, 60થી વધુને ઈજા : મૃત્યુ આંક વધવાની ભીતિ
કાઠમંડુ : આજે મંગળવારે વહેલી સવારે ૬.૩૦ કલાકે ૭.૧ના ધરતીકંપે નેપાળની ધરાને ધુ્રજાવી દીધી હતી. નેપાળના નેશનલ અર્થક્વેક મેઝરમેન્ટ સેન્ટરે સવારના ૬.૫૦ કલાકે આ માહિતી આપી હતી. આ ધરતીકંપ કાઠમંડુથી પૂર્વમાં ૧૫૦ કિ.મી. દૂર નેપાળથી તિબેટ જતા ઘાટ પાસે નોંધાયો હતો. સહજ છે કે આટલા પ્રબળ ધરતીકંપથી કેટલાએ મકાનો ધરાશાયી થયા હોય. ઘણા તેના મલબા નીચે પણ દબાઈ ગયા હોય. આ ધરતીકંપની અસર બિહાર તેમજ ઉત્તર પ્રદેશ, પાટનગર દિલ્હી અને નવી દિલ્હી સ્થિત ચાણકયપુરી તથા નેશનલ કેપિટલ રીજીયન (એન.સી.આર.)માં પણ ધરા ધુ્રજી ઊઠી.
આમ છતાં ભારત સરકારે નેપાળની સહાય માટે તબીબો સહિતની રાહત ટુકડીઓ નેપાળ રવાના કરી દીધી હતી.
ઉત્તરે તિબેટમાં પણ ધરતીકંપના આંચકા લાગ્યા હતા. રીચર સ્કેલ ઉપર તેનું પ્રમાણ ૬.૮ નોંધાયું હતું. પરંતુ તે પછી આવેલો વધુ પ્રબળ આંચકો ૭.૧ મેગ્નીટયુડ જેટલો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર જમીનથી માત્ર ૧૦ કિ.મી. જેટલુ જ અંદર હોઈ આંચકાની અસર જોરદાર રહી હતી તેમજ તે પછી આફટર શોક્સ પણ ચાલુ રહ્યા હતા.
ધરતીકંપને પરિણામે ૩૫ના મૃત્યુ થયા હતા જયારે ૬૦થી વધુને ઇજાઓ થઈ હતી. પહેલા ૬.૮નો આંચકો આવ્યો હતો. પરંતુ બીજો આંચકો ૭.૧નો હોવાનું યુએસ જીયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું. આ ધરતીકંપ લ્હાસાથી ૨૪૦ કિ.મી. દૂર થયો હતો. અહીંથી નેપાળ જવાનો પણ એક સાંકડો માર્ગ શરૂ થાય છે.
ઇંડિયન ટેકટોનિક પ્લેટ એશિયા ટેકટોનિક પ્લેટ સાથે અથડાતા આ ધરતીકંપ સર્જાય છે. આ બંને પ્લેટસ બરોબર હિમાલયન રીજીયન નીચે જ આવેલી છે. તેને લીધે હિમાલય પણ દર વર્ષે જરા-જરા ઊંચો જતો જાય છે. દુનિયાના પાંચ સૌથી ઊંચા શિખરો હિમાલય વિસ્તારમાં જ આવેલા છે.