ટેટૂના ચક્કરમાં જીવ આફતમાં મૂકાયા, ઉત્તરપ્રદેશમાં 68 મહિલાઓને થઈ એઈડ્સ જેવી ગંભીર બીમારી
Uttar Pradesh Tattoo News | ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાંથી ચોંકાવનારી ખબર સામે આવી છે જેમાં 68 મહિલાઓને એઈડ્સ જેવી જીવલેણ બીમારીનું નિદાન થયું છે. આ મહિલાઓ જિલ્લા મહિલા હોસ્પિટલ ખાતે આ મહિલાઓ પ્રસવપૂર્વેની તપાસ તેમજ કાઉન્સેલિંગ માટે આવી ત્યારે તેઓ એચઆઈવી પોઝિટિવ હોવાની જાણ થઈ હતી.
કાઉન્સેલિંગ દરમિયાન આમાંથી 20 મહિલાઓએ જણાવ્યું કે તેમને શંકા છે કે તેમના શરીર પર ટેટૂ કરાવવાને કારણે તેમને ચેપ લાગ્યો છે. આ તમામ મહિલાઓએ રોડસાઇડ ટેટૂસ્ટ દ્વારા તેમના ટેટૂ કરાવ્યા હતા. આ પછી તેની તબિયત લથડી હતી.
હોસ્પિટલ ખાતેના કાઉન્સિલરના જણાવ્યા અનુસાર પંદરથી વીસ મહિલાઓ દર વર્ષે એચઆઈવી પોઝિટિવ મળી આવે છે. કાઉન્સિલરની ચકાસણીમાં જણાયું હતું કે ચાર વર્ષમાં 68 મહિલાઓમાંથી વીસ મહિલાઓને રસ્તા પરના ટેટૂ આર્ટિસ્ટ પાસેથી ટેટૂ કરાવવાથી એચઆઈવી સંક્રમણ થયું હતું.
મહિલા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે સંક્રમણની માહિતી આપતા જણાવ્યું કે એચઆઈવી અને હેપટાઈટીસ લોહીના સંસર્ગથી ફેલાય છે. ટેટૂ કરાવતી વખતે સોય સંક્રમિત હોય તો એચઆઈવી ચેપ લાગવાની શક્યતા રહે છે. હોસ્પિટલના કાઉન્સિલરે લોકોને ચેપ રોકવા કોઈપણ પ્રકારે લોહીનો સંસર્ગ ન થાય તેની તકેદારી રાખવાની ભલામણ કરી છે.