Get The App

ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર 68 ટકા મતદાન

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 38 બેઠકો પર 68 ટકા મતદાન 1 - image


- 1.23 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

- ચાર રાજ્યમાં 15 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં 50 થી 70 ટકા મતદાન 

રાંચી : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ આજે ૩૮ બેઠકો પર ૬૮ ટકા મતદાન થયું છે. ભારે સુરક્ષા વચ્ચે આજે ૧.૨૩ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ૬૭.૦૪ ટકા મતદાન થયું હતું તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણવ્યું છે. ૧૩ નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૪૩ બેઠકો પર ૬૬ ટકા મતદાન થયું હતું. ૧૩ નવેમ્બરે ૧.૩૭ કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર આજે રાતે આઠ વાગ્યા સુધીમાં ૬૭.૭૧ ટકા મતદાન થયું હતું. જમતારા જિલ્લામાં સૌથી વધુ ૭૬.૧૬ ટકા મતદાન થયું હતુ. બોકારો જિલ્લામાં સૌથી ઓછું ૬૦.૯૭ ટકા મતદાન થયું હતું. 

ઝારખંડમાં આજે ૧૨ જિલ્લાઓના ૧૪૨૧૮ મતદાન મથકો પર સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. ૩૧ મતદાન મથકોમાં મતદાનનો સમય ચાર વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડમાં કુલ ૧૫ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં ૫૦ થી ૭૦  ટકા મતદાન થયું છે. ઉત્તર પ્રદેશમાં ૯,  પંજાબમાં ૪, કેરળ અને ઉત્તરાખંડમાં એક-એક બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. 

કેરળમાં ૭૦.૫૧ ટકા, પંજાબમાં ૬૩, ઉત્તરાખંડમાં ૫૭.૬૪, ઉત્તર પ્રદેશમાં ૪૯.૩ ટકા મતદાન થયું છે.


Google NewsGoogle News