ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશની નદીઓ જોડાશે, 65 લાખ લોકોને થશે લાભ, જાણો કેન-બેતવા રિવર લિંક પ્રોજેક્ટ વિશે
Ken Betwa Link Project: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિના અવસર પર આજે વડાપ્રધાન મોદી મધ્ય પ્રદેશના ખજુરાહોમાં કેન-બેતવા રિવર લિંક પરિયોજનાનું ઉદ્યાટન કરવા જઈ રહ્યા છે. આ પરિયોજનાનો લાભ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની કુલ અંદાજે 65 લાખ વસ્તીને થશે.
શું છે કેન બેતવા લિંક પરિયોજના
કેન-બેતવા લિંક પરિયોજનાનો ઉદ્દેશ મધ્યપ્રદેશમાં વહેતી કેન નદીના પાણી ઉત્તરપ્રદેશમાં બેતવામાં સ્થાનાંતરિત કરવાનો છે. જેથી દુષ્કાળગ્રસ્ત બુંદેલખંડને સિંચાઈના પાણી મળી શકે. કેન નદી જબલપુરની નજીક કેમૂરના પહાડોમાંથી નીકળી 427 કિમી ઉત્તર તરફ વહે છે. બાદમાં ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં સ્થિત ચિલ્લા ગામમાં યમુના નદીને મળે છે. કેન અને તેની સહાયક નદીઓ પર પાંચ ડેમ છે. બેતવા નદી મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી નીકળી 576 કિમી વહ્યા બાદ ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુનાને મળે છે. બેતવા અને તેની સહાયક નદીઓ પર 24 ડેમ છે.
અટલ બિહારી વાજપેયીની હતી યોજના
જ્યારે દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા, ત્યારે તેમણે દેશની 36 નદીઓને જોડવાનો નિર્ણય લીધો હતો. જેમાંથી એક પ્રોજેક્ટ કેન-બેતવા નદી પણ હતો. જો કે, વર્ષોથી આ કામ અટવાયુ હતું. હવે આ કામ પૂર્ણ કરવામાં આવશે. નદીઓને જોડવા માટે એક નહેર બનાવવામાં આવશે. તેમજ દૌધન ડેમ નિર્માણ કરી કેન નદીના પાણી બેતવા નદીમાં સમાવવામાં આવશે.
આ પણ વાંચોઃ કરોડો મોબાઈલ યુઝર્સને TRAIની મોટી રાહત, ટેલિકોમ કંપનીઓ માટે નવું ફરમાન જાહેર કર્યું
65 લાખ લોકોને થશે ફાયદો
કેન-બેતવા પ્રોજેક્ટ મારફત મધ્ય પ્રદેશના 10 જિલ્લામાં 44 લાખ અને ઉત્તરપ્રદેશના 21 લાખ લોકોને પીવાનું પાણી મળશે. અંદાજિત રૂ. 44605 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવતાં આ પ્રોજેક્ટથી બંને રાજ્યોને સિંચાઈના પણ પાણી મળશે.
ગ્રીન એનર્જીમાં પણ આપશે યોગદાન
આ પરિયોજના હેઠળ જળ વિદ્યુત યોજનાને લાભ મળશે. ગ્રીન એનર્જીમાં 130 મેગાવોટનું યોગદાન આપવા ઉપરાંત ઔદ્યોગિક એકમોને પર્યાપ્ત પાણી મળશે. 42 તળાવો રિચાર્જ થશે. તેમજ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચશે.
પીવાના પાણીની સુવિધા વધશે
મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, ડેમમાં 2853 મિલિયન ક્યુબેક મીટર પાણીનો સંગ્રહ કરશે. કેન નદીના વધારાના પાણી દૌધન ડેમમાંથી 221 કિમી લાંબી લિંક નહેરના માધ્યમથી બેતવા નદીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. જેનાથી બંને રાજ્યોમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
ક્યાં અટવાયો હતો પ્રોજેક્ટ
આ પરિયોજના લાંબા સમયથી જાહેર કરવામાં આવી હતી. પરંતુ પર્યાવરણીય અને વન્ય જીવ સંરક્ષણ સંબંધિત સમસ્યાઓના કારણે પ્રોજેક્ટ અટવાયો હતો. કારણકે નહેર પન્ના અભ્યારણ્યમાંથી પસાર થશે. જેથી અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે, મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, દૌધન જળાશય પન્ના ટાઈગર રિઝર્વમાં જંગલી જાનવરો માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવશે.