62000 વિદેશી નાગરિકો થયા 'ગુમ', ઈમિગ્રેશન વિભાગે પોલીસને સોંપી યાદી, સરકાર ઊંઘમાં!
ભારતમાં આ વિદેશી નાગરિકોના વિઝા સમાપ્ત થઈ ગયા હતા
image : IANS |
62000 foreigner missing after coming to delhi : દિલ્હી પોલીસ વિવિધ દેશોમાંથી દિલ્હી આવેલા 62 હજાર 'ગુમ' વિદેશી નાગરિકોને શોધી રહી છે. ભારતમાં આ વિદેશી નાગરિકોના વિઝા સમાપ્ત થઈ ગયા હતા, પરંતુ સરકાર પાસે તેમના વિશે કોઈ માહિતી નથી. વિદેશ મંત્રાલયે પોલીસને આ માહિતી આપી છે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આવા લોકોને શોધી કાઢવા સૂચના આપી છે.
વિઝાની મુદ્દત સમાપ્ત થતાં જ ગુમ?
માહિતી અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત આવેલા લાખો વિદેશી નાગરિકો ગુમ છે. આ વિદેશી નાગરિકો ભારત ભણવા, સારવાર લેવા અથવા મુસાફરી કરવા આવ્યા હતા, પરંતુ વિઝાની મુદ્દત પૂરી થઈ છે ત્યારથી તેમના વિશે કોઈ માહિતી નથી. સરકાર પાસે પણ સ્પષ્ટ માહિતી નથી કે આવા લોકોએ વિઝા વધારવા માટે અરજી કરી છે કે નહીં.
કયા દેશના લોકો સૌથી વધુ?
ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં નાઈજીરીયા અને અફઘાનિસ્તાનના લોકો છે. ઈમિગ્રેશન વિભાગે આવા લોકોની યાદી તૈયાર કરીને દિલ્હી પોલીસને સોંપી છે. આ અંગે માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું કે વિદેશ મંત્રાલયે ગુમ થયેલા વિદેશી નાગરિકોની તમામ માહિતી ડોંગલ દ્વારા મોકલી છે. ડોંગલ દરેક જિલ્લાના એડિશનલ ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું છે. તેમને એવા વિદેશી નાગરિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી છે જેમણે તેમના વિસ્તારના સરનામાં આપ્યા હતા.
ગુનાખોરીમાં સંડોવણીની શંકા
પોલીસને શંકા છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો ગુનાખોરીમાં સામેલ હોઈ શકે છે. ઘણી વખત વિદેશી નાગરિકો ડ્રગ સ્મગલિંગના કેસમાં પકડાયા છે. આવી સ્થિતિમાં તેમને પકડીને વિદેશ મોકલી દેવાથી પણ ગુનાખોરીમાં ઘટાડો થઇ શકે છે.
ખરેખર તો નિયમ શું છે?
વિદેશી નાગરિકે ભારત આવતા પહેલા વિઝા મેળવવો પડે છે. જો તે વધારાનો સમય લેતો હોય તો તે વિઝાની મુદત પૂરી થાય તે પહેલા તેને એક્સ્ટેંશન માટે અરજી કરે છે. જો કોઈ વ્યક્તિએ વિઝા વધારવા માટે અરજી કરી હોય તો પણ તેને દેશનિકાલ કરવામાં આવતો નથી.