દેશમાં કોરોનાના નવા 614 કેસ : સરકાર એલર્ટ મોડમાં
- સૌથી વધુ કેસ, એક જ દિવસમાં 300થી વધુનો ઉછાળો, કેરળમાં ત્રણનાં મોત
- કોરોનાના નવા વેરિએન્ટ જેએન-1ના ભારતમાં અત્યાર સુધીમાં 21 કેસ
નવી દિલ્હી : ભારતમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા ૬૧૪ કેસ નોંધવામાં આવ્યા છે. કોરોનાના દૈનિક કેસોની આ સંખ્યા ૨૧ મે, ૨૦૨૩ પછીની સૌથી વધુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૨૩૧૧ થઇ ગઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાને કારણે ત્રણ લોકોેનાં મોત થતાં દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૩,૩૨૧ થઇ ગયો છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૫૦,૦૫,૯૭૮ થઇ ગઇ છે.
બીજી તરફ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૭૦,૩૪૬ થઇ ગઇ છે. એટલે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૮૧ ટકા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટમાં જણાવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની ત્રણ લહેરોથી સમગ્ર વિશ્વમાં સર્જાયેલ અરાજકતા પછી થોડોક સમય રાહત મળ્યા પછી કોરોનાના નવા વેરિઅન્ટે ફરીથી માથુ ઉંચકતા ડરનો માહોલ સર્જાયો છે.
કોરોનાનો નવો સબ વેરિઅન્ટ જેએન-૧ અત્યાર સુધીમાં ૪૦ દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વેરિઅન્ટના ૨૧ કેસો નોંધવામાં આવ્યા છે. આ વેરિઅન્ટનો સૌ પ્રથમ કેસ ઓગસ્ટમાં લક્ઝમબર્ગમાં નોંધવામાં આવ્યો હતો.
છેલ્લા બે સપ્તાહમાં ભારતમાં કોરોનાને કારણે ૧૬ લોકોનાં મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર જેએન-૧ વેરિએન્ટ અન્ય વેરિએન્ટની સરખામણીમાં ઝડપથી અને સરળતાથી ફેલાય છે. ડબ્લ્યુએચઓએ વધુમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના વેક્સિનના જે ડોઝ આપવામાં આવી રહ્યાં છે તે ડોઝ આ વેરિઅન્ટ સામે પણ રક્ષણ આપવામાં સક્ષમ છે.
બીજી તરફ જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાયરોલોજિસ્ટ એન્ડ્રયુ પેકોજે જણાવ્યું છે કે જેએન-૧ વધુ જોખમી નથી.
આ દરમિયાન નીતિ આયોગના સભ્ય ડો. વી કે પૌલે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના નવા સબ વેરિઅન્ટ જેએન-૧ના ૨૧ કેસ નોંધવામાં આવ્યા છે. નવા વેરિએન્ટના કેસ ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે.