કોંગ્રેસ સામે બળવો કરનારા 6 ધારાસભ્યોના કેસરિયા, હિમાચલ પ્રદેશમાં સરકારનું સંખ્યાબળ ઘટ્યું
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો હતા
Lok Sabha Elections 2024: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના તમામ છ બળવાખોર ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર સિંહ રાણા, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો અને ઈન્દર દત્ત લખનપાલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ હવે 34 બેઠકો પર આવી ગઈ છે. ભાજપની સંખ્યા વધશે નહીં કારણ કે હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે 6 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને 3 અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.
છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનાર છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ છ ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ ધારાસભ્ય અને મંત્રી હર્ષ વર્ધન દ્વારા અમારા સચિવાલયને મળી હતી, ત્યારબાદ તેમણે બંને પક્ષોને સાંભળ્યા અને પોતાનો નિર્ણય આપ્યો. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું.'
હિમાચલ પદેશમાં આગળ શું થશે?
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો હતા. 68 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી આંકડો 35 હતો. છ ધારાસભ્યોના બળવા પછી કોંગ્રેસ નંબર ગેમમાં 40થી ઘટીને 34 પર આવી ગઈ છે, જે બહુમતી માટે જરૂરી આંકડા કરતા એક ઓછી છે. પરંતુ બળવાખોર ધારાસભ્યોને સભ્યપદેથી અયોગ્ય ઠેરવ્યા બાદ હવે વિધાનસભાની સંખ્યા 62 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમત માટે જરૂરી આંકડો હવે 32 થઈ ગયો છે. તેથી હાલમાં વિધાનસભામાં માત્ર કોંગ્રેસ જ આગળ છે.