હિમાચલ પ્રદેશમાં સ્પીકરની મોટી કાર્યવાહી, ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 MLA અયોગ્ય જાહેર
તમામ ધારાસભ્યોએ વ્હિપનું ઉલ્લંઘન કર્યું હતું
Himachal Political crisis : તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભાના સ્પીકર તમામ 6 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું છે. તેમના પર પાર્ટીના વ્હિપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. વિધાનસભાના સ્પીકર કુલદીપ પઠાનિયાએ આ માહિતી આપી હતી.
કોને કોને અયોગ્ય જાહેર કરાયા?
કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના પર સ્પીકરે લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મેં આ નિર્ણય લીધો હતો. આ જનાદેશનું અપમાન હતું. અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોમાં રાજેન્દ્ર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, દેવેન્દ્ર સિંહ ભુટ્ટો, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા અને રવિ ઠાકુરનો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશમાં હવે આગળ શું ?
હિમાચલ પ્રદેશમાં બળવાખોર ધારાસભ્યોની સભ્ય પદ રદ થયા બાદ હવે મોટો પ્રશ્ન એ છે કે શું આનાથી મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુનું સંકટ ઘટશે? હવે 68 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો બદલાઈ ગયો છે. હવે છ ધારાસભ્યોના સભ્યપદ રદ થયા બાદ ગૃહમાં 62 સભ્યો રહ્યા છે. અને સરકારને બહુમત માટે 32 ધારાસભ્યોની જરૂર છે, જ્યારે કોંગ્રેસ પાસે હવે 34 ધારાસભ્યો બાકી છે. ભાજપ પાસે 25 ધારાસભ્યો છે અને તેને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું છે. કોંગ્રેસ પાસે હજુ સંખ્યાબળની તાકાત છે એવું લાગી રહ્યું છે, પરંતુ કોંગ્રેસની માટે મુશ્કેલી પાર્ટીમાં જૂથવાદ છે. વિરોધ પક્ષના સૌથી મોટા નેતા વિક્રમાદિત્ય ખુલ્લેઆમ સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટીમાં એવા ઘણા ધારાસભ્યો છે જેઓ વીરભદ્ર સિંહ પરિવાર સાથે છે, ભલે તેમણે રાજ્યમાં ક્રોસ વોટિંગ ન કર્યું હોય.