ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના : વરસાદથી બચવા ઉભેલી માલગાડી નીચે બેઠેલા 6 મજૂરોના મોત
એન્જીન વગરની માલગાડી દોડવા લાગતા દુર્ઘટના સર્જાઈ, અન્ય 2 મજૂરો પણ ઈજાગ્રસ્ત
અન્ય 2 ઈજાગ્રસ્તોના પણ મોત થયા હોવાનો સ્થાનિક લોકોનો દાવો
ભુવનેશ્વર, તા.7 જૂન-2023, બુધવાર
ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર આજે માલગાડી નીચે ચગદાતા 6 મજૂરોના મોત થયા છે જ્યારે 2 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. મજૂરોએ ભારે વરસાદથી બચવા ઉભેલી માલગાડી નીચે આશરો લીધો હતો, ત્યારે અચાનક એન્જીન વગરની માલગાડી શરૂ થઈ ગઈ અને તેની નીચે મજૂરો ચગદાઈ જતા મોત નિપજ્યા.
વરસાદથી બચવા મજૂરો માલગાડી નીચે બેઠા
રેલવેના એક પ્રવક્તાએ કહ્યું કે, અહીં અચાનક ઝડપી પવન શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન રેલવે લાઈન પર કામ કરી રહેલા મજૂરો માલગાડી પાસે કામ કરી રહ્યા હતા. તેમણે ઝડપી પવન અને વરસાદથી બચવા માલગાડી નીચે આશ્રય લીધો હતો. પરંતુ કમનસીબે એન્જીન વગરની માલગાડી શરૂ થવાના કારણા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ.... તેમણે વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને અન્ય 2 મજુરો ઈજાગ્રસ્ત થયા છે.
અન્ય 2 ઈજાગ્રસ્તોના પણ મોત થયા હોવાનો દાવો
જોકે જાજપુરના સ્થાનિક લોકોએ દાવો કર્યો કે, અન્ય 2 ઈજાગ્રસ્તોના પણ મોત થયા છે. આ ઘટના ઓડિશાના બાલાસોર જિલ્લામાં સર્જાયેલ ગમખ્વાર ટ્રેન અકસ્માતના 5 દિવસ બાદ સામે આવી છે. હાલ રેલવે દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવાયા છે.