મુરાદાબાદમાં સ્કૂલની બહાર ઉભેલી 6 વિદ્યાર્થિનીઓને ફૂલ સ્પીડ કારે કચડી
- પીછો કરીને હુમલો કરાયો હોવાનો આરોપ
- બલેનો ચલાવી રહેલા રોડ રોમિયોએ 100 કિમીની સ્પીડે ટક્કર મારી હતી, બે વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર
મુરાદાબાદ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સ્કૂલની બહાર ઉભેલી ૬ વિદ્યાર્થીનીઓને ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે ટક્કર મારી હતી. અઆ દુર્ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, બે વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં, કચડાયેલી છોકરીઓને રસ્તા પર પડતી જોઈ શકાય છે.
મુરાદાબાદના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના રામગંગા વિહારમાં ગોલ્ડન ગેટ સ્કૂલની સામે ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે શિર્ડી સાઈ પબ્લિક સ્કૂલની ૬ વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી. ટક્કર બાદ રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાતા હાજર લોકો ગુસ્સે ભરાયા હતા. તમામ છોકરીઓ ૧૨મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓ સ્કૂલના છેલ્લા દિવસે બોર્ડ પરીક્ષાઓ માટે આઈકાર્ડ લેવા સ્કૂલે ગઈ હતી.
એક વિદ્યાર્થીનીના પિતાએ દાવો કર્યો છે કે, બલેનો કારમાં બેઠેલા પાંચ યુવકોએ પહેલા તેમનો પીછો કર્યો હતો અને ત્યારબાદ તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાર આરોપી યુવકો લક્ષ્ય પરેજા, દિવ્યાંશુ, ઉદય, કૌશિક, યશ સિરોહી ભાગી ગયા હતા. જ્યારે, આરોપી શગુનને ઝડપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કાર ચલાવવાનું શીખી રહેલા શગુન નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. અકસ્માત સમયે કારની સ્પીડ ૧૦૦ કિમીની આસપાસ હોવાનો અંદાજ લગાવવામા ંઆવી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, વિદ્યાર્થીનીઓ પર જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો હતો. આ હત્યાની કોશિશનો કેસ છે.