ચીન સાથે વિવાદ વચ્ચે દેશની રક્ષા માટે 6.81 લાખ કરોડ, 9.52 ટકાનો વધારો
- ભારતીય સૈન્યને વધુ આધુનિક, સક્ષમ બનાવનારુ બજેટ : રાજનાથસિંહ
- 1.80 લાખ કરોડ હથિયારો, એરક્રાફ્ટ્સ, વોરશિપ ખરીદી માટે, 1.48 લાખ કરોડ નવા સૈન્ય હાર્ડવેર માટે ફાળવાયા
- લક્ષિત જીડીપીના 1.91 ટકા, જ્યારે કુલ બજેટના 13.45 ટકા સંરક્ષણ ક્ષેત્ર પાછળ ફાળવવામાં આવ્યા
Budget 2025 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલાએ કેન્દ્રીય બજેટ જાહેર કર્યું છે જેમાં દેશની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ૬.૮૧ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. ચીન અને પાકિસ્તાનના પડકારો વચ્ચે સૈન્યની ક્ષમતા અને આધુનિકતામાં વધારાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ બજેટમાં આશરે ૯.૫૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પહેલા સંરક્ષણ બજેટ માટે ૬.૨૨ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, આ વખતે રકમ વધારીને ૬,૮૧,૨૧૦ કરોડ કરવામાં આવી છે. એટલે કે અગાઉ કરવા સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તરફ ધ્યાન આપીને રકમ વધારવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રમાં ફાળવાયેલા કુલ બજેટમાંથી સૈન્ય માટે ૧.૮૦ લાખ કરોડ નવા હથિયારો, એરક્રાફ્ટ્સ, વોરશિપ્સ અને અન્ય સુવિધા માટે ફાળવાયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે કુલ સંરક્ષણ બજેટ ૬.૮૧ લાખ કરોડ છે જે અગાઉ કરતા ૯.૫૩ ટકા વધુ છે.
૧.૪૮ લાખ કરોડ રૂપિયા નવા સૈન્ય હાર્ડવેર માટે ફાળવાયા છે, બાકીના ૩૧,૨૭૭ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટેના સંશોધન અને વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. ૧.૧૧ લાખ કરોડ રૂપિયા સ્થાનિક ઉત્પાદકો પાસેથી હથિયારો વગેરેની ખરીદી માટે ફાળવાયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જીડીપીના લક્ષ્યાંકની જાહેરાત કરાઇ છે તેના ૧.૯૧ ટકા સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં ફાળવાયા છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ બજેટનું સ્વાગત કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આપણા સૈન્યને આધુનિક બનાવવા, ટેક્નોલોજી ક્ષેત્રે સુધારામાં મદદરૂપ થનારુ બજેટ છે. ૪૮૬૧૪ કરોડ એરક્રાફ્ટ અને એરો એન્જિન્સ, ૨૪૩૯૦ કરોડ નેવી માટે ફાળવાયા છે. ૬૩,૦૯૯ કરોડ અન્ય હથિયારો માટે ફાળવાયા છે. નેવી ડોકયાર્ડ પ્રોજેક્ટ માટે ૪૫૦૦ કરોડ ફાળવાયા છે. સરહદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તેમજ સૈન્યને હથિયારો પહોંચાડવા માટે મદદરૂપ ગણાતા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન માટે ૭,૧૪૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ડીઆરડીઓ માટેના બજેટમાં અગાઉ કરતા વધારો કરીને ૨૬૮૧૬ કરોડ ફાળવાયા છે.
કેન્દ્રીય બજેટના ૧૩.૪૫ ટકા સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં ફાળવાયા છે જે અન્ય મંત્રાલયો કરતા સૌથી વધુ ફાળવણી મનાય છે.