Get The App

વૈશ્વિક યુદ્ધો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ. 6.21 લાખ કરોડની ફાળવણી

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
વૈશ્વિક યુદ્ધો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ. 6.21 લાખ કરોડની ફાળવણી 1 - image


- સંરક્ષણ ક્ષેત્રે ખાનગી કંપનીઓને વધુ તક અપાશે

- આર્મીને રૂ. 1.92 લાખ કરોડ, નેવીને રૂ. 32,778 કરોડ, એરફોર્સને 32,778 કરોડ અપાયા : ડીપ-ટેક ટેક્નોલોજી, આત્મિનર્ભરતા પર ભાર

નવી દિલ્હી : દુનિયામાં રશિયા-યુક્રેન સંઘર્ષ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે યથાવત્ રહેલા ઘર્ષણ તથા તાજેતરમાં હિન્દ મહાસાગર અને અરબ સાગરના સૌથી વ્યસ્ત વ્યાવસાયિક માર્ગ પર સમુદ્રી ડાકુઓના હુમલા વચ્ચે સુરક્ષાની ચિંતાઓ પ્રવર્તી રહી છે. આવા સમયે કેન્દ્ર સરકારે ગુરુવારે લોકસભા ચૂંટણી પહેલાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૬.૨૧ લાખ કરોડની ફાળવણી કરી છે, જે ગયા વર્ષે રૂ. ૫.૨૫ લાખ કરોડની સરખામણીમાં ૪.૭૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

દુનિયામાં ચારેબાજુ ઘર્ષણ વધી રહ્યા છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને સંરક્ષણ ક્ષેત્રમાં નવી 'ડીપ-ટેક ટેક્નોલોજી' માટે મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ડીપ-ટેક ટેક્નોલોજીમાં બાયોટેક, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, એડવાન્સ્ડ મટેરિયલ, ગ્રીન એનર્જી, એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ, એરોસ્પેસ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. એટલે કે હવે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને વધુ તક મળશે, કારણ કે આ બધી જ ટેક્નોલોજી ખાનગી કંપનીઓ પાસે છે. સરકારની યોજના વિજ્ઞાાનને સંરક્ષણ સાથે જોડીને દેશને વધુ શક્તિશાળી બનાવવાની છે.

સરહદ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા કુલ રૂ. ૬,૫૦૦ કરોડ જ્યારે ભારતીય દરિયા કાંઠા માટે ૭,૬૫૧ કરોડ રૂપિયા બાજુ પર રખાશે. ડીઆરડીઓને કુલ રૂ. ૨૩,૮૫૫ કરોડની ફાળવણી કરાઈ છે. આર્મી માટે ૧,૯૨,૬૮૦ કરોડ રૂપિયા જ્યારે નેવી તથા એરફોર્સ માટે અનુક્રમે રૂ. ૩૨,૭૭૮ કરોડ અને રૂ. ૪૬,૨૨૩ કરોડની ફાળવણી કરાઈ છે.

સૈન્યને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાની સાથે આત્મનિર્ભર બનાવવાની પણ વાત કરાઈ છે. સરકાર ઈચ્છે છે કે દેશની સુરક્ષા માટેના હથિયાર, ટેક્નોલોજી, યંત્રો બધું જ દેશમાં જ બને અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં આવે તેમજ આ સ્વદેશી હથિયારો, શસ્ત્રસરંજામની નિકાસ કરવામાં આવે.

સરકારે સૈન્યના મૂડી ખર્ચ માટે કુલ ૧.૭૨ લાખ કરોડ રૂપિયા અલગ મૂક્યા હતા, જેનો ઉપયોગ મોટાભાગે નવા હથિયારો, વિમાન, યુદ્ધ જહાજો અને અન્ય મિલિટરી હાર્ડવેર ખરીદવા કરાશે. સંરક્ષણ બહજેટમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે મૂડી ખર્ચ માટેની ફાળવણી વર્ષ ૨૦૨૨-૨૩ના વાસ્તવિક મૂડી ખર્ચ કરતાં ૨૦.૩૩ ટકા વધુ છે. વિમાનો અને એરો એન્જિન ખરીદવા રૂ. ૪૦,૭૭૭ કરોડ જ્યારે અન્ય શસ્ત્રસરંજામ માટે રૂ. ૬૨,૩૪૩ કરોડની ફાળવણી કરાઈ છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સ્વ-નિર્ભરતા અને નિકાસના હેતુથી સંરક્ષણ બજેટ માટે રૂ. ૬,૨૧,૫૪૦ કરડોની ફાળવણી કરવામાં આવી છે, જે કુલ કેન્દ્રીય બજેટના ૧૩.૦૪ ટકા જેટલી છે. કુલ મહેસૂલ ખર્ચ ૪,૩૯,૩૦૦ કરોડ રૂપિયા રખાયો છે, જેમાં સંરક્ષણ પેન્શન માટે રૂ. ૧,૪૧,૨૦૫ કરોડ, સંરક્ષણ સેવાઓ માટે રૂ. ૨,૮૨,૭૭૨ કરોડ અને સંરક્ષણ મંત્રાલય (સિવિલ) માટે ૧૫,૩૨૨ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News